સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

જુનાગઢ સિવીલમાંથી ફરાર મધ્ય પ્રદેશ અને માણાવદરના કેદીની સઘન શોધખોળ

ધરપકડ માટે પોલીસની ત્રણ ટીમની રચનાઃ જેલનાં કુલ ૧૦ સંક્રમિત કેદીમાંથી પલાયન

(વિનુ જોશી) જુનાગઢ તા. ૭ :.. જુનાગઢ સીવીલનાં કેદી વોર્ડમાંથી ફરાર થયેલા મધ્યપ્રદેશ અને માણાવદરના કેદીની પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે અને બંનેની ધરપકડ માટે પોલીસની ત્રણ ટીમની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જેલમાં બંદીજન ગોરધન રાયસિંગ નાયક અને રવિ તુલસી સોલંકી સંક્રમિત થતા બંનેને જુનાગઢ સીવીલ હોસ્પિટલનાં પાંચમાં માળ ખાતે કેદી વોર્ડ નં. પ૦૮ માં સારવાર હેઠળ હતાં.

આ દરમ્યાન બંને ગઇકાલે વહેલી સવારે પોલીસને ચકમો આપી ટોયલેટની રીવેટવાળી લોખંડની બારી વાટે નાસી ગયા હતાં.

આ અંગે ફરજ પરનાં પોલીસ કર્મી રાહુલ ચુડાસમાએ જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

આ અંગે હેડ કોન્સ્ટેબલ મુસ્તાક શેખરે ફરીયાદ નોંધાવતાં એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દરમ્યાન ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, બંને કેદીને ઝડપી લેવા એસપી રવિ તેજા વાસમ સેટી દ્વારા ક્રાઇમ બ્રાંચ સહિત ત્રણ પોલીસ ટીમની રચના કરવામાં આવી છે અને બંનેની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન છે.

જેલ સુત્રોના જણાવ્યા મુજબ ગોરધન નામનો કેદી મધ્ય પ્રદેશના જુડલીનો છે અને હત્યા સહિતનાં ગુનામાં ગત તા. ૮-૧૦-ર૦૧પ થી જુનાગઢ જેલમાં હતો.

જયારે રવિ નામનો કેદી માણાવદરનાં લક્ષ્મીનગર વિસ્તારનો છે અને તે ચોરી વગેરે ગુનામાં તા. ર૯-૧૦-ર૦ર૦ થી જેલવાસ ભોગવી રહ્યો હતો.

જેલ સૂત્રોએ વધુમાં જણાવેલ કે, જુનાગઢ જિલ્લા જેલનાં બુધવાર સુધીમાં સાત કેદી સંક્રમિત હતાં. ગઇકાલે વધુ ત્રણ કેદીને કોરોના થતાં સિવીલ હોસ્પિટલમાં કુલ ૧૦ દેકી સારવાર હેઠળ હતાં. જેમાંથી ગોરધન નાયક અને રવિ સોલંકી નાસી જતાં હજુ આઠ કેદી સારવાર હેઠળ છે.

(11:09 am IST)