સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th April 2020

વાંકાનેરના વાલાસણમાં ખેડૂતના ઘરમાં પુત્રએ જ મોજશોખ માટે ૩.૯૫ લાખની ચોરી કરી'તી

ચોરાઉ રોકડ-દાગીના સાથે ફૈજાન ભોરણીયાની ધરપકડઃ પ્રોબેશનર ડી.વાય.એસ.પી. ચૌધરી તથા પી.એસ.આઈ. આર.પી. જાડેજાની ટીમને સફળતા

તસ્વીરમાં ઘરમાં જ ચોરી કરનાર ફૈજાન અને કબ્જે કરાયેલ મુદ્દામાલ નજરે પડે છે (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

વાંકાનેર, તા. ૭ :. વાંકાનેરના વાલાસણ ગામે બંધ મકાનમાંથી ૩.૯૫ લાખની ચોરીનો ભેદ તાલુકાના પીએસઆઈ આર.પી. જાડેજા તથા ટીમે ઉકેલી નાખી ચોરી કરનાર ફરીયાદી ખેડૂતના પુત્રને દબોચી લીધો હતો. પકડાયેલ પુત્રએ બાઈક ખરીદવા અને મોજશોખ માટે ઘરમાં હાથ સાફ કર્યાની કબુલાત આપી હતી.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલસણ ગામે ફરીયાદીના બંધ રહેણાંક મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂ. ૧,૫૫,૦૦૦ તથા સોનાના દાગીના આઠ તોલા કિં. રૂ. ૨,૨૦,૦૦૦ તથા ૫ જોડી ચાંદીના સાંકળા કિં. રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિં. રૂ. ૩,૯૫,૦૦૦ની કોઈ અજાણ્યો માણસ ચોરી કરી ગયાની ફરીયાદ થતા પોલીસ અધિક્ષક મોરબી, ડો. કરનરાજ વાઘેલા તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.બી. જાડેજાના માર્ગદર્શન મુજબ પો. સબ ઈન્સ. આર.પી. જાડેજાને બાતમી હકીકત મળેલ કે ફરીયાદના દિકરાએ જ આ ચોરી કરેલ છે જેથી મળેલ હકીકત આધારે ફરીયાદીના દિકરા ફૈજાન ઈબ્રાહીમભાઈ ફતેમામદભાઈ ભોરણીયા રહે. વાલાસણ તા. વાંકાનેરવાળાની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તે પૂછપરછ દરમ્યાન ભાંગી પડેલ અને ગુનાનો એકરાર કરી ચોરીમાં ગયેલ મુદામાલ રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના વાલાસણ ગામની સીમમાંથી કાઢી આપતા કબ્જે લઈ તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસ સમક્ષ પકડાયેલ ફૈજાને બાઈક ખરીદવા અને મોજશોખ માટે ઘરમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. ફૈજાન ખેતીકામ કરે છે અને અગાઉ પણ ઘરમાં હાથફેરો કર્યાનું જણાવ્યુ હતુ. પકડાયેલ ફૈજાનની વધુ પૂછતાછ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ આર.પી. જાડેજા ચલાવી રહ્યા છે.

આ ચોરીનો ભેદ ઉકેલથી મુકેશ ચૌધરી પ્રો.ના પો. અધિક્ષક વાં.તા. પો. સ્ટે, આર.પી. જાડેજા પો. સબ ઈન્સ. વાં.કા. પો. સ્ટે., વશરામભાઈ મેતા એએસઆઈ, રવીકુમાર લાવડીયા પો.કોન્સ. અશ્વિનભાઈ જાપડીયા પો. કોન્સ. તથા જગદીશભાઈ ગાબુ પો. કોન્સ. રોકાયા હતા.

(11:40 am IST)