સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 7th March 2021

જૂનાગઢના સક્કરબાગ ઝુમાંથી પાછલા બે વર્ષમાં 25 જેટલા સિંહોને અલગ અલગ ઝૂ માં શિફ્ટ કરાયા

શિફ્ટ કરાયેલા 25 સિંહો પૈકી 24 સિંહોને વર્ષ 2019માં શિફ્ટ કરવામાં આવ્યા

જૂનાગઢના સક્કરબાગ ઝુમાંથી 31મી ડિસેમ્બર 2020ની સ્થિતિ પ્રમાણે પાછલા બે વર્ષમાં 25 જેટલા સિંહોને વન્ય પ્રાણી વિનિમય અને સંવર્ધન માટે દેશના અનેક અલગ અલગ ઝુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

પાછલા બે વર્ષના સમયગાળા દરમિયાન સક્કરબાગ ઝુમાંથી સૌથી વધુ 7 સિંહોને ઉત્તર પ્રદેશના ઇટાવા સફારી પાર્ક ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતાં. આ સિવાય 4 સિંહોને કર્ણાટકના પ્રાણીસંગ્રહાલય ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતાં. જ્યારે કુલ 8 જેટલા સિંહોને અલગ અલગ કેરળ, હિમાચલ પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશમાં આવેલા પ્રાણીસંગ્રહાલય ખાતે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક સિંહને કેવડિયા ખાતે નવા બનાવવામાં આવેલા સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કને આપવામાં આવ્યો હતો.

સક્કરબાગ ઝુમાંથી શિફ્ટ કરાયેલા 25 સિંહો પૈકી 24 સિંહોને વર્ષ 2019માં દેશના અલગ અલગ ઝુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે એક સિંહને 2020માં સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. સક્કરબાગ ઝુમાંથી સિંહો સિવાય 156 જેટલા અલગ અલગ પ્રાણીઓ જેમાં કાળિયાર, ચિંકારા, લવ-બર્ડ્સ સહિત સામેલ છે તેમને દેશના અલગ અલગ ઝુમાં મોકલવા આવ્યા હતા.

 

સક્કરબાગ ઝુમાંથી 31મી ડિસેમ્બર 2020ની સ્થિતિ પ્રમાણે પાછલા બે વર્ષમાં સિંહો સહિત કુલ 181 જેટલા પ્રાણીઓને દેશના અલગ અલગ ઝુમાં મોકલવામાં આવ્યા હતા. આ 181 પ્રાણીઓ પૈકી 77 પ્રાણીઓને કેવડિયા ખાતે નવા બનાવવામાં આવેલા સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. સક્કરબાગ ઝુમાંથી બે વાઘ અને એક સિંહને કેવડિયાના ઝુ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.

સક્કરબાગ ઝુમાંથી 138 પ્રાણીઓને 2019માં, જ્યારે 43 પ્રાણીઓને વર્ષ 2020માં દેશના અલગ અલગ પ્રાણીસંગ્રહાલય ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતાં. પાછલા બે વર્ષમાં સક્કરબાગ ઝુમાંથી 8 રાજ્યોના પ્રાણીસંગ્રહાલયોને અલગ અલગ પ્રાણીઓ મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ કેટલાક પ્રાણીઓને ગુજરાતમાં આવેલા અલગ અલગ ઝુમાં પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે ઘણા પ્રાણીઓને વન્ય પ્રાણી વિનિમય અને સંવર્ધન માટે અન્ય ઝુ ખાતે મોકલવામાં આવતા હોય છે. પ્રાણીઓના ખોરાક, રહેઠાણ અને આરોગ્યની કાળજી ચુસ્તપણે લેવામાં આવે છે.

(11:14 pm IST)