સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th February 2020

હાડ થીજાવતી કડકડતી ઠંડીમાં માઘસ્નાન કરતાં દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓને

શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કર્યા

ઊના તા. ૦૭ આપણાં શાસ્ત્રોમાં માઘસ્નાનનો મહિમા ખુબજ વર્ણવાયો છે. નદી, સરોવર કે સમુદ્ર નજીક ન હોય તો કુંભારને ત્યાથી કોરા માટલાં લાવી, તેમાં સાંજે પાણી ભરી એ ઠંડા પાણીથી વહેલી સવારે એક માસ પર્યંત સ્નાન કરવું તેને માઘસ્નાન કહેવાય છે.

આ માઘસ્નાન કરવાથી સાહસિકતા, ખડતલપણું, રોગ પ્રતિકારક શક્તિ તેમજ ધાર્મિકતાના ગુણો વિકસે છે.

દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં ૧૨૦ વિદ્યાર્થીઓ માઘસ્નાનમા જોડાયા છે. આગામી તા. ૯-૨-૨૦૨૦ પૂર્ણિમાના દિવસે માઘસ્નાનની પૂર્ણાહુતિની પૂર્વ સંધ્યાએ માઘસ્નાન કરતાં વિદ્યાર્થીઓને વિદેશ સત્સંગ વિચરણ કરતા શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી બાલક્રુષ્ણદાસજી સ્વામીએ સુભાશિષ પાઠવ્યા છે.

ગુરુકુલમાં યોજાયેલ પ્રાર્થના સભામાં ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી શ્રી નરનારાયણ દાસજી સ્વામી, પુરાણી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી તથા હરિદર્શનદાસજી સ્વામીએ માઘસ્નાન કરતાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

(4:21 pm IST)