જુનાગઢમાં ટ્રકનાં પૈસાની લેતી દેતીના પ્રશ્ને મહિલા સહિત ૭ શખ્સોએ તોડફોડ મચાવી
મહિલાની ફરિયાદના પગલે ત્રણ શખ્સોની ધરપકડ
જુનાગઢ તા.૭ : જુનાગઢમાં ટ્રકના પૈસાની લેતી દેતીના પ્રશ્ને મહિલા સહિત ૭ શખ્સોએ તોડફોડ મચાવી ધમકી આપી હોવાની ફરિયાદ થતાં જ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢના દોલતપરાની કસ્તુરબા સોસાયટીમાં રહેતા રેખાબેન ભરતભાઇ કુછડીયાના પતિ ભરત કુછડીયાએ દોલતપરાનો સંજય ઉર્ફે સાંગો કાળાભા ગોજીયા મારફતે ટ્રક ખરીદ કરેલ.
આ ટ્રકના પૈસાની લેતી દેતીના પ્રશ્ને ગઇકાલે સંજય ગોજીયા પાંચ શખ્સો અને એક મહિલા સાથે રેખાબેનના ઘરે ધસી ગયો હતો.
આ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી અને સંજય ગન જેવું હથિયાર તેમજ અન્ય શખ્સોએ તલવાર છરી, લાકડી, જેવા હથિયારો મકાનમાં તોડફોડ મચાવી હતી અને નુકસાન પહોંચાડેલ. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે રેખાબેન કુછડીયાએ ફરિયાદ કરતાની સાથે એ ડીવીઝનના પીએસઆઇ પી.જે. રામાણીએ ત્વરીત તપાસ હાથ ધરી સંજય તેમજ વરજાંગ લક્ષ્મણ જાદવ અને ઇમ્તીયાઝ હસન શેખની ધરપકડ કરી હતી. પોલીસે અન્ય શખ્સોને ઝડપી લેવા તપાસ આગળ વધારી છે.