સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th February 2020

ધોરાજી - ઉપલેટા વચ્ચે ડુમિયાણી ટોલપ્લાઝા ગેરકાયદેસરઃ લલીત વસોયા

ટોલનાકા દ્વારા કિલોમીટરની મર્યાદાના નિયમો ખુદ ઓથોરિટી દ્વારા તુટ્યા

તા. ૭ ધોરાજીૅં : ધોરાજી ઉપલેટા વચ્ચે ડુમિયાણી ટોલનાકા બાબતે ધોરાજી ઉપલેટા વેપારીઓએ જંગ ખેલયા બાદ અંતે ધારાસભ્ય  વસોયા લોકપ્રશ્નો ની ગંભીરતા સમજી જન સમર્થન માટે આગળ આવી નેશનલ હાઇવે ઓથોરિટી ને લેખિત પત્ર પાઠવી ટોલનાકાના નિયમોનું ભંગ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા પંદર દિવસથી ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ વેપારી એસોસીએશન અને ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ ધોરાજી ઉપલેટા વચ્ચે આવેલ ડુમીયાણી ટોલ પ્લાઝા છેલ્લા ૨૦ વર્ષથી ગેરકાયદેસર રીતે ટોલ ટેક્ષ ઉઘરાવતા હોવા નો આવેદનપત્ર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને જિલ્લા કલેકટરને સંબોધીને ડેપ્યુટી કલેકટરને પાઠવેલા જેના ઘેરા પડઘા પડયા બાદ અને અખબારી અહેવાલોમાં આવ્યું કે ધોરાજી ઉપલેટા ના રાજકીય લોકો પણ મૌન સેવી રહ્યા છે ત્યારે ે ધોરાજીના ધારાસભ્ય પણ પ્રજાની વચ્ચે આવ્યા હોય અને સરકારને પત્ર લખીને વિરોધ કર્યાનું જાણવા મળેલું છે

ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ પાઠવેલા પત્રમાં જણાવેલ કે ડુમિયાણી ટોલનાકા બાબતે ચાલતું લોક આંદોલન  અને જનતાની માગણી વ્યાજબી છે. તેમજ નેશનલ હાઇવે ફિઝ ડિટર્મિનેશન ઓફ રેઈટ એન્ડ કલેકશન રુલ ૨૦૦૮ ના નિયમ અનુસાર મ્યુનિસિપાલિટી ની લિમિટ પછી ૧૦ કિલોમીટર ટોલનાકા સ્થાપિત કરવા સામે નિયમની મનાઈ ફરમાવવામાં આવી છે.હાલ આ ટોલનાકુ ઉપલેટા થી ૫ કિલોમીટર ના અંતરે છે.

તેમજ નિયમ - ૮ હેઠળ ૬૦ કિલોમીટરના અંતર વચ્ચે બે ટોલનાકા ન હોવા જોઈએ.પરંતુ જેતપુર અને ડુમિયાણી ટોલનાકા વચ્ચે માત્ર ૪૦ કિલોમીટર નું અંતર છે.આમ ડુમિયાણી ટોલનાકે બે નિયમોનો ભંગ થઈ રહ્યો છે.

આથી આ ટોલનાકુ સત્વરે ખસેડી લેવુ,અને જે નિયમોનો ભંગ કરી નાણાં મેળવેલા છે તે એક પ્રકારની સિવિલ લૂંટ ગણાઈ તે હાલ સુધી ઉઘરાવેલ નાણાં  ઉપલેટા તાલુકાના વિકાસમાં વાપરી નાખવા જણાવ્યું હતું.

 ડુમિયાણી ટોલનાકુ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યું છે. થોડા સમય પહેલા આ ટોલનાકા ના સંચાલકો દ્વારા  નેશનલ હાઇવે પાસે ગ્રામ્ય વિસ્તારના રોડ નાની વાવડી ના રસ્તે ગેરકાયદે ટોલનાકુ બનાવાયું હતું. જેમાં પણ લાખો રાહદારીઓ લૂંટાયા હતા. અને તે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.

હાલ ટોલનાકે પણ વાહનચાલકો લૂંટાઈ રહ્યા છે. ત્યારે વેપારીઓ દ્વારા થયેલ રજુઆત મામલે પ્રાંત અધિકારી એ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે. અને ધારાસભ્ય પણ હવે છેક જનસમર્થન માં આવ્યા છે. વાસ્તવિક સ્થિતિ પ્રમાણે આ ટોલનાકા ની મુદત પૂર્ણ થઈ કે કેમ ? હાઇવે ઓથોરિટી દ્વારા આ ટોલનાકાના કેટલા નિયમો ભંગ થયા છે તે પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

(11:41 am IST)