સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th February 2019

ચોટીલા પંથકના જમીન પ્રકરણમાં અધિક કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર સસ્પેન્ડ

સરકારે ત્રણ ઉચ્ચ અધિકારીઓને ફરજ મોકુફ કરી તપાસ શરૂ કરતા ખળભળાટ

રાજકોટ, તા. ૭ :. રાજ્ય સરકારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જીવાપરને લાગુ જમીન પ્રકરણમાં જવાબદાર મનાતા તે વખતના ૩ ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરી તપાસ કરવાનો હુકમ કરવાના ચક્રો ગતિમાન કર્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. જેની સામે આરોપ છે તે અધિક કલેકટર કક્ષાના અધિકારી હાલ ગાંધીનગરમાં તેમજ નાયબ કલેકટર કક્ષાના અધિકારી પોરબંદર પંથકમાં ફરજ બજાવી રહ્યાનું બહાર આવેલ છે.

ચોટીલા તાલુકાની ૮૦૦ એકર જેટલી જગ્યા નીતિ નિયમોમાં બાંધછોડ કરી ખાનગી માલિકીની ઠેરવી દેવાના પ્રકરણમાં સરકારે કડક પગલુ લીધાનું જાણવા મળેલ છે. જે તે વખતના અધિક કલેકટર ઉપરાંત તે વખતના પ્રાંત અધિકારી વી.ઝેડ. ચૌહાણ અને તત્કાલીન ઈન્ચાર્જ મામલતદાર જે.એલ. ધાડવી સામે જમીન પ્રકરણમાં ગંભીર આરોપ છે તેથી ત્રણેયને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ થયાનું જાણવા મળે છે. ત્રણેય અધિકારીઓની ભૂમિકા બાબતે વિજીલન્સ અથવા એસીબીની તપાસ તોળાઈ રહી છે. એક સાથે એક જ જિલ્લાના ૩ અધિકારીઓ સસ્પેન્ડ થાય તે ઘટના વહીવટી તંત્રમાં ચર્ચા જગાવનારી છે.(૨-૨૨)

 

(2:47 pm IST)