સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th February 2019

જસદણ પાલિકાનાં બીજા સભ્યના રાજીનામા બાદ નવાજૂનીના એંધાણ

 જસદણ તા. ૭ :.. પાલિકાના ભાજપ સદસ્ય મીઠાભાઇ છાયાણીના રાજીનામા બાદ કાલે બુધવારે વોર્ડ નંબર બે ના સદસ્ય કાજલબેન ધોડકીયાએ પોતાનું રાજીનામું સોંપી દેતા આમ શાસક પક્ષ ભાજપના સભ્યોએ બે દિવસમાં બે રાજીનામાનો ખેલ પાડી દેતા થોડા દિવસોમાં પાલિકાના રાજકારણમાં ભુકંપની સ્થિતિ લોકસભાની ચૂંટણી પહેલા થાય એવુ જણાય રહ્યું છે.

જસદણને ૧૯૯પ માં પાલિકાનો દરજજો મળ્યો છેલ્લે અંદાજે સવા વર્ષ પહેલા સામાન્ય ચૂંટણીમાં શહેરના સાત વોર્ડમાં કુલ મળી ર૮ સભ્યો ચૂંટાયા હતાં. જેમાં ભાજપ ના ર૩ અને કોંગ્રેસનો પાંચ સભ્યો ચૂંટાયા હતાં.

દરમિયાન આ સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ ભાજપના સદસ્ય દીપક ગીડાને પ્રમુખ બનાવ્યા તેમણે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેટલાંક કામો સામાન્ય સભામાં રદ કર્યો ત્યારે ખુદ ભાજપના સદસ્યોએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત કરી ત્યારબાદ પ્રમુખ તરીકે જીજ્ઞેશ હીરપરાને ભાજપના મોવડીઓએ બેસાડયા પણ ભાજપના ૧૦ સભ્યો અને કોંગ્રેસના પ સભ્યોએ તેમની સામે પણ અનેકવાર બેફામ આક્ષેપો કર્યા આ સીલસીલો છેલ્લા એક વર્ષથી ચાલ્યો એમાં ભાજપના બે સદસ્યોએ રાજીનામા આપી દીધા હતાં.

જો કે ગત વિધાન સભ્યની પેટાચૂંટણી પૂર્વે ભાજપના નેતાઓએ સભ્યોને ખટરાગ ભુલી લાગી જવાનું કહી અને ચૂંટણી પછી તેમને ન્યાય આપવામાં આવશે. એવો વાયદો કર્યો હતો. તે દરમિયાન ભાજપના સદસ્યો પણ પણ પક્ષમાંથી હાંકી કાઢવાની બીકે ચપચાપ રહ્યા હતાં અને વિધાનસભાની પેટાચૂંટણી પછી આગેવાનોએ સભ્યોને આપેલ વચન ભુલી જતા હાલ બે દિવસમાં બે સભ્યોના રાજીનામા બાદ હવે આગામી દિવસોમાં પણ રાજીનામા પડશે.

પણ ભાજપને ખોબે ખોબે મત આપનારી પ્રજાને આવી ભવાઇ જોવાની કયારે પુરી થશે...?

પાલિકામાં ગેરકાયદેસર બાંધકામોમાં શાસક પક્ષ અને તંત્રવાહકોની મીઠી નજરને કારણે આજે જસદણના ૪૭ વિસ્તારોમાં વાહન તો ઠીક પગે ચાલીને જવુ પણ નાગરીકોને દુષ્કર થઇ પડયું છે.

છેલ્લા રર વર્ષમાં તંત્ર દ્વારા એકપણ ગેરકાયદેસર બાંધકામ તોડાયુ ન હોવાથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. તેમની આજે વેદના સાંભળનાર પણ કોઇ નથી. ભાજપના બીજા પાલિકાના સદસ્યનું રાજીનામું પડયુ છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપના આગેવાનો હોદેદારો કેવી ભુમિકા ભજવે છે. તે આવનારા હોદેદારો કેવી ભુમીકા ભજવે છે. તે આવનારા દિવસોમાં પ્રજાને ખબર પડશે. (પ-ર૩)

(11:32 am IST)