સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

જાફરાબાદ દરિયાકાંઠાથી પ કિ.મી. દૂર મિતિયાળામાં ૮ કરોડના ખર્ચે મીઠા પાણીનો બંધારો મંજૂર કરતા વિજયભાઇ રૂપાણી

અમરેલી : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાફરાબાદ પંથકના ખેડૂતો માટે હિતકારી નિર્ણય કરીને જાફરાબાદના મિતિયાળામાં બંધારો મંજુર કરીને 10 ગામોના ખેડુતોને દરિયાના ખારાશ પાણીમાંથી મુક્તિ આવવાના નિર્ણયથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી છવાઈ ગઈ છે. તેઓ 2011થી બંધારાની આશા સેવી રહ્યા હતા.

જાફરાબાદ દરિયાકાંઠાથી ફક્ત 5 કિલોમીટર દૂર આવેલ મિતિયાળામાં મુખ્યમંત્રી રૂપાણીએ 8 કરોડના ખર્ચે મીઠા પાણીનો બંધારો મંજુર કરતા છેક નાગેશ્રી સુધીના 10 જેટલા ગામોના પાણીના તળને મીઠાશ આવશે અને ખેતીની જમીન વધુ ફળદ્રુપ બની જશે. જાફરાબાદ દરિયા કાંઠા પંથકના મિતિયાળા, વાંઢ, લુણસાપુર, કાગવંદર સહિતના આજુબાજુના 10 જેટલા ગામડાઓના ખેડૂતો માટે 2011થી મીઠા પાણીના બંધારાની માગણી કરવામાં આવતી હતી. આખરે તેમની આ માગણી 2020માં સાકાર થઈ અને બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 500 હેકટર જમીન ફરી ફળદ્રુપ બને તે માટે મિતિયાળા ગામે બંધારો બાંધવા માટેની મંજુરીની મહોર મારી છે. આ નિર્ણયને પગલે દરિયા કાંઠા પંથકના સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીની જોવા મળી છે.

સરકારમાં આ યોજના શરુ કરવાની જુની યોજના હતી ને વેળાએ રૂ.8 કરોડના ખર્ચે આ બંધારો બની શકે તેમ હતો પરંતુ હવે આ બંધારાને વ્યવસ્થીત અને ટકાઉ બનાવવો હોય તો નિષ્ણાતોના મતે 12થી 15 કરોડનો ખર્ચ થવા જાય છે. આ નવો બનનારો બંધારો કાર્યરત થશે તે પછી 500 હેક્ટર જમીનમાં સિંચાઇનું પાણી મળશે એવી ધારણા છે.

(4:29 pm IST)