સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

અમરેલી જીલ્લામાં ગત વર્ષે ર૪૦ બાળ મૃત્યુના કિસ્સાઃ સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં ૪૪ બાળકોના મોત

અમરેલી તા. ૭ :.. અમરેલી સહિત સમગ્ર રાજયમાં બાળ મૃત્યુ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહયા છે. જેનું મુખ્ય કારણ એ છે કે જન્મ સમયે માતાને પુરતુ પોષણ ન મળવું તેમજ બાળકનાં જન્મ વખતે ખોડ ખાપણ અથવા અન્ય બિમારી હોવાનું પણ મુખ્ય કારણ છે. ગત વર્ષે અમરેલી જિલ્લામાં ર૪૦ જેટલા બાળ મૃત્યુનાં કિસ્સાઓ બહાર આવ્યા છે. તેમજ છેલ્લા ૩૦ દિવસમાં ૧પ જેટલા બાળકોનાં મૃત્યુ નિપજયાં છે. જેમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં ૪૪ બાળકોનાં મૃત્યુ નિપજયાં છે તેમ અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની કચેરીનાં સુત્રોએ જણાવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેર સહિત સમગ્ર રાજયમાં ૦ થી ૧ વર્ષનાં બાળકોનાં મૃત્યુ થવાના કિસ્સાઓ  દિન પ્રતિદિન બહાર આવી રહ્યાં છે. આ બાળ મૃત્યુ થવાનું મુખ્ય કારણ જણાવતા અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની કચેરીનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે બાળકનો જન્મ થાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવી, જન્મ વખતે ઇજા હોવી, ખોડખાપણ વાળુ બાળક જનમવું, હૃદયની બિમાવી હોવી, વજન ઓછું હોવું તેમજ જન્મ સમયે રડયુ હોય અને બાળકનું મૃત્યુ થવું ઇન્ફેકશન લાગવા સહિતની વિવિધ બિમારીઓ આ બાળ મૃત્યુના કારણ પાછળ મહત્વની ભૂમિકા ભજવે છે. અમરેલી જિલ્લામાં વર્ષ ર૦૧૯-ર૦ ના વર્ષમાં ર૪ જેટલા બાળકોનાં મૃત્યુ નિપજયા છે. જે વર્ષ ર૦૧૮-૧૯ ની સાલમાં ૩પ૪ બાળકોનાં મૃત્યુ નિપજયા હતાં.

જે બે વર્ષની સરખામણીમાં એટલે કે ગત વર્ષે આ બાળ મૃત્યુનાં પ્રમાણમાં સારો એવો ઘટાડો થયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં ગત મહિને એટલે કે ડીસેમ્બર મહિનામાં ૧પ બાળકો જેટલા બાળકોનાં મૃત્યુ નિપજયા હતાં. આમ અમરેલી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં બાળ મૃત્યુનું પ્રમાણ ર૪૦ જેવું થવા પામ્યું છે. અમરેલી તાલુકામાં ર૮ બાળકો, બાબરા તાલુકામાં ૯, કુંકાવાવ તાલુકો ૧ર, રાજુલા તાલુકો ર૬, બગસરા તાલુકો ૧૩, લીલીયા તાલુકો ૧૧, જાફરાબાદ તાલુકો ર૩, ખાંભા તાલુકો ૧૭, સાવરકુંડલા તાલુકામાં ૪૪, લાઠી તાલુકામાં ૩૦, ધારી તાલુકામાં ર૭ મળીને કુલ ર૪૦ બાળ મૃત્યુનાં કેસો વર્ષ ર૦૧૯-ર૦ નાં સમય ગાળામાં નોંધાયા છે. તેમજ ર૦૧૮-૧૯ ની સાલમાં અમરેલી જિલ્લામાં ૩પ૪ બાળ મૃત્યુનાં કેસો  નોંધાયા હતાં.

(1:22 pm IST)