સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

પશુપાલનને ખેતીની પુરક નહી પણ સમકક્ષ વ્યવસાય તરીકે વિકસાવવા સરકાર કટીબધ્ધ : કુંવરજીભાઇ

વિંછીયા તાલુકાના મોઢુકામાં જીલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઇ

જસદણ તા. ૭ : વિંછિયા તાલુકાના મોઢુકા ગામે પશુપાલન, પાણી પુરવઠા અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર પશુપાલન ખાતું અને જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા યોજાઈ હતી.

 પશુપાલનને ખેતીની પુરક નહીં પણ સમકક્ષ વ્યવસાય તરીકે વિકસાવવા રાજય સરકાર કટ્ટીબધ્ધ છે પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પશુપાલનના સુવ્યવસ્થિત વિકાસ માટે પશુપાલન શિબિરો, પશુ આરોગ્ય કેમ્પો અને શ્રેષ્ઠ દુધ ઉત્પાદક પશુની હરીફાઇઓ યોજવા સાથે પશુ સંવર્ધન અને દુધ ઉત્પાદકતા વધારવા રાજય વ્યાપી વિવિધ યોજનાઓ અમલી બનાવી હતી. તેઓનો ઉદેશ ખેતિ આધારીત ગ્રામિણ અર્થવ્યવસ્થાને પશુપાલન સાથે સાંકળી વધુ સમૃધ્ધ બનાવવાનો હતો. હાલ રાજય સરકાર દ્વારા પશુપાલન વિકાસલક્ષી અનેક યોજનાઓ જેવી કે નિઃશૂલ્ક કૃત્રિમ બીજદાન, નિઃશૂલ્ક પશુ આરોગ્ય સેવાઓ, વિદ્યુત ચાફકટર સહાય, કેટલ શેડ બાંધકામ સહાય, પોષણક્ષમ ચારાનું વાવેતર કરવા માટે સહાય, ડેરી ઉદ્યોગ માટે બલ્ક મિલ્ક કુલરની સહાય જેવી અનેક સહાયો અને પશુ આરોગ્યની જાળવણી માટે દસ ગામ દીઠ એક હરતા ફરતા પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. જેનો મહત્ત્।મ લાભ લઇ પશુપાલનને રોજગાર તરીકે સ્વીકારી આધુનિક અને તજજ્ઞોની સલાહ અનુસાર નફાકારક પશુપાલન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ તકે તેઓએ જસદણ ખાતે આધુનિક પશુ હોસ્પીટલ મંજૂર થવા બાબતે જાણકારી આપતાં ટુંક સમયમાં ૫૦ જેટલી પશુ એમ્બ્યુલન્સ વાનોની સેવા પણ રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાશે તેમ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છના વિભાગીય પશુપાલન નિયામક ભગીરથભાઈ પટેલે પશુપાલનને નફાકારક બનાવવા ઉપયેાગી સુચનો કરતાં પશુ પોષણ, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ વ્યવસ્થાપન બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ પશુઓને અપાતા ખોરાકના નિયમનની વૈજ્ઞાનિક ઢબે માહિતી આપી હતી સાથો સાથ રાજય સરકાર ની કૃત્રિમ બીજદાન અંગેની અમલી થનાર વિશિષ્ટ યોજનાની માહિતી આપી હતી. જયાં પશુપાલકોને ગાય કે ભેંસનું કૃત્રિમ બીજદાન કરાવતા વાછડી કે પાડીનો જ જન્મ થાય છે. આ સાથે પશુની બીમારી અન્વયે દ્યરગથ્થુ ઇલાજ ન કરતા પશુ હોસ્પિટલમાં જ ઈલાજ કરાવવાની સલાહ આપી હતી.

નાયબ પશુપાલક નિયામક ડો.બી.જે.વદ્યાસિયાએ તળપદી શૈલીમાં પશુપાલકોને રાજય સરકારની વિદ્યુત ચાફટર સહાય યોજના જેમાં સરકાર દ્રારા રૂ. ૧૫,૦૦૦ની સબસીડી આપવામાં આવે છે તેની માહિતી આપી હતી.

વેટરનરી ઓફિસર ડો. ટી.પી.કાકડિયા એ દૂધાળા પશુઓના બચ્ચાંના આરોગ્ય માટે બચ્ચાના જન્મ બાદ જે પ્રથમ દૂધ આઉમાંથી દોહવામાં કે વાછરૂને ધવરાવવામાં આવે છે તે ખીરૂના મહત્વ વિશે જણાવતા કહ્યું હતું કે, સામાન્ય દૂધની સરખામણીમાં ખીરામાં પ્રોટીન,ખનીજ દ્રવ્ય,કેરોટિન વધારે પ્રમાણમાં હોય છે. જે બચ્ચાંની વૃદ્ઘિ માટે દ્યણા જ ઉપયોગી છે. ખીરૂ રેચક છે, જેથી બચ્ચાનાં ગર્ભકાળ દરમ્યાન આંતરડામાં જે મળ પેદા થઈને રહેલો હોય, તે ખીરૂ આપવાથી શરીર બહાર સહેલાઈથી નીકળી જાય છે. ખીરામાં ઉત્ત્।મ પ્રતિકારકો હોય છે જે તાજું જન્મેલ બચ્ચું આવા પ્રતિકારકો પોતે ઉત્પન્ન ન કરી શકે ત્યાં સુધી રોગો સામે રક્ષણ પૂરૂ પાડે છે. પશુ બચ્ચાને તેના વજન કરતાં ૧૦ ટકા જેટલું ખીરૂ આપવું જોઈએ. સામાન્ય રીતે બચ્ચાંને ખીરૂ અડધા કલાકમાં પિવડાવવું કે ધવરાવવું જોઈએ. કુદરતી કે કુત્રિમ બંને રીતે ઉછેરવામાં આવતા વાછરૂને જન્મ પછી ત્રણ-ચાર દિવસ તેની માતાનું ખીરું આપવું અત્યંત જરૂરી છે.

રાજયસરકાર દ્રારા પાવર ડ્રિવન ચાફકટર સહાય યોજના અંતર્ગત ૨૨ લાભાર્થી પશુપાલકોને પેમેંટ ઓર્ડરોનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિતરણ કરાયું હતું.

  શિબિરમાં જિલ્લા પંચાયત સભ્ય કાળુભાઇ તલવડીયા, તાલુકા પંચાયત સભ્ય નારણભાઇ, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકરીયા, વિંછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, સરપંચ વાલાભાઇ મેર, પશુપાલન વિભાગના અધિકારીઓ ડો. વી.કે.સરોડીયા, ડો. એ.એચ.મણવર, સર્કલ ઓફિસર સાંબડભાઈ, જેઠાભાઇ રબારી, અજીતભાઈ ધોળકિયા, રમેશભાઈ ડાભી સહિત મોટીસંખ્યામમાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:54 am IST)