સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th December 2022

કચ્‍છમાં કાર્યરત ઉદ્યોગોની દિવ્‍યાંગોને રોજગારી આપવાની પ્રેરણાદાયી પહેલ થકી ૪૧ વ્‍યકિત બની શકશે આર્થિક પગભર

વિશ્વ દિવ્‍યાંગ દિવસે અદાણી ફાઉન્‍ડેશને સેતુરૂપ બની વિવિધ કંપનીઓમાં અપાવી નોકરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : ‘જો તમને બીજાની પીડા કે ખામી દેખાય તેનો તમને ભારોભાર રંજ કે દૂઃખ થાય અને તેમને ઉપયોગી થવાની મનથી ઇચ્‍છા થાય તો ભગવાને તમને પૃથ્‍વી પર મોકલીને કોઈ ભૂલ કરી નથી.' આવી અનુભૂતિ અદાણી ફાઉન્‍ડેશન - મુંદરાને કચ્‍છમાં દિવ્‍યાંગો સાથે છેલ્લા છ વર્ષથી કામ દરમ્‍યાન થઈ. આથી તેમની નોંધણી પણ કરી અને આ વિશ્વ દિવ્‍યાંગ દિવસે કચ્‍છના વિવિધ ૨૯ જેટલા ગામોમાંથી ૫૩ જેટલા દિવ્‍યાંગોનો સંપર્ક કરી તેમની અરજીઓ મંગાવવામાં આવી. આ આવેલ અરજીઓમાંથી તેમની લાયકાત પ્રમાણે વિવિધ કંપનીઓમાં જરૂરિયાત જાણીને તેઓને તા. ૩/૧૨/૨૦૨૨ રોજ રૂબરૂ મુલાકાતે બોલાવીને ઇન્‍ટરવ્‍યૂ કરવામાં આવેલ. જેમાં ૪૧ જેટલા દિવ્‍યાંગો હાજર રહેલ.

આ માટે સ્‍પેશ્‍યલ ઈકોનોમી ઝોનમાં આવેલ ૯ જેટલી કંપનીઓના હોદેદારો આવેલ. જેમાં ઇમ્‍પેઝર લોજિસ્‍ટિક, અદાણી પોર્ટ, નવીન ગ્રૂપ, જે.એન. કે. ઈન્‍ડિયા, રૂડી શિપિંગ, વાઈબલ, ડોફ કેટલ, ઓરિટન કેમિકલ, મુંદરા વીંટેક લી. વગેરે હાજર રહીને દિવ્‍યાંગો પ્રત્‍યે સંવેદના દાખવીને તેમની રૂબરૂ મુલાકાત કરીને તેમની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવેલ તથા તેઓને પગભર બનવા માટેની તક પ્રદાન કરવામાં આવશે

આજે ખાસ ઉપસ્‍થિત રહેલ શ્રી રાયશીભાઈ મહેશ્વરી કે જેઓ ગત વર્ષે આવી જ પ્રક્રિયામાંથી પસાર થઈને તેની નોકરીનું આજે એક વર્ષ પૂર્ણ થયેલ તેનો રાજીપો આજે હાજર રહેલ દિવ્‍યાંગોને જણાવીને શુભેચ્‍છા પાઠવી હતી.

આ રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ગામ વડાલાના દિવ્‍યાંગ લધાભાઈ રબારીએ કહ્યું કે ‘અદાણી ફાઉન્‍ડેશન દ્વારા દિવ્‍યાંગો માટે જે પ્રયત્‍ન કરવામાં આવે છે તે ખરેખર અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. દિવ્‍યાંગો સમાજમાં સન્‍માનભેર રહી શકે તેવી અનુકૂળતાઓ ઊભી કરે છે.' જયારે મગનભાઇ એ જણાવ્‍યુ કે ‘અમને આવી રીતે કંપનીઓ બોલાવીને કામ કરવાની તક આપશે તેનો સ્‍વપ્‍ને પણ ખ્‍યાલ નહોતો. અદાણી ફાઉન્‍ડેશન દ્વારા આ શક્‍ય બન્‍યું છે.'

આ માટે અદાણી ફાઉન્‍ડેશન ગુજરાતના હેડ પંક્‍તિબેન શાહે પોતાનો રાજીપો વ્‍યક્‍ત કરી કહ્યું કે ‘આ પૃથ્‍વી પર જેમને ભગવાને મોકલ્‍યા છે, તેમાં દરેક પાસે પોતાની આવડત છે, જે એક માત્ર તક શોધે છે, જેના માટે અમે માત્ર નિમિત બન્‍યા છીએ.' આ માટેની સમગ્ર વ્‍યવસ્‍થા સિનિયર ઓફિસર કરશનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ. આ માટે અદાણી ફાઉન્‍ડેશનની સમગ્ર ટીમનો સહયોગી બનેલ.

(10:27 am IST)