ગુજરાતના એન.સી.સી. વડા મેજર જનરલ અરવિંદ કપુરે સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી
જામનગર : તાજેતરમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણ ડાયરેકટરેડના એડિશનલ ડાયરેકટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરે સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરની મુલાકાત લીધી. મુખ્ય અતિથિના આગમન પર સ્કૂલના આચાર્યશ્રી ગૃપ કેપ્ટન રવિન્દર સિંહ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૈનિક સ્કૂલ બાલાચડીના કેડેટ્સે એ.ડી.જીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. મુખ્ય મહેમાનને જુનીયર ડિવિઝનના બીજા વર્ષના કેડેટ રૂદ્ર રાનિપા દ્વારા સેન્ડ મોડલ પર સ્કૂલ અને તેની આસપાસના વિસ્તાર વિશે માહિતી આપવામાં આવી હતી. તેમાં કેડેટ્સની રજૂઆત અને સ્પષ્ટ સમજૂતીને કારણે એ.ડી.જીએ રોકડ પુરસ્કાર આપીને તેમની પ્રશંસા કરી હતી. તેમણે સ્કૂલના એન.સી.સી સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી. અંતમાં મુખ્ય મહેમાનશ્રીને કેમ્પસ રાઉન્ડ માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં તેમણે લીડર્સ ગેલેરી, નવા બનેલા સરદાર પટેલ હાઉસ અને અહિલ્યાબાઈ હાઉસની મુલાકાત લીધી હતી. જયાં તેમણે તાજેતરમાં પ્રવેશ મેળવેલ પ્રથમ બેંચની ગર્લ કેડેટ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો.