સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

મીઠાપુર ટાટા કેમ.ડી એ વી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી દ્વારા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે સફળ પ્રયાસ

 મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામે આવેલી ટાટા કેમ.ડી એ વી પબ્લિક સ્કૂલના ઇકો કલબ દ્વારા પમી ડીસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસના અનુસંધાને એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મુખ્ય અતિથી તરીકે મીઠાપુર ટાટા કેમિકલ્સ લીમીટેડના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી એન.કામથ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઇકો કલબના ઇન્ચાર્જ શ્રીમતી સોનલ પડવલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને શાળાના ઇકો કલબ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ પછી શાળા નં.૮માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓમ ભાવિનભાઇ નાયક દ્વારા શાળાના રમતગમતના મેદાનમાં માત્ર ૪ મીનીટ અને ૪૦ સેકન્ડમાં ૬૦ રોપા વાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા તમિલનાડુના એક છોકરા વિજયે પ મીનીટમાં ૪૨ છોડ વાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ તકે શ્રી કામથ દ્વારા ઓમ ભાવિનભાઇ નાયકને આ ઉમદા કાર્ય બદલ ઘણી શુભેચ્છાઓ પાઠવી હતી અને શાળા દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રસંશા કરી હતી. આ તકે શાળાના પ્રિન્સીપાલ શ્રી આર કે શર્મા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે શાળા પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. આ પહેલા પણ વૃક્ષોના સંરક્ષણ માટે કરાયેલા પ્રયાસોને કારણે શાળાએ ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે તથા પક્ષીઓના સંરક્ષણ અંગે લોકોને જાગૃત કરવાના પ્રયાસો બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ પ્રસંગે ટાટા કેમિકલ્સ લીમીટેડના બાગાયત વિભાગના ઇન્ચાર્જ શ્રી રમેશભાઇ બાબરિયા, ડો.સોહન લાલ વર્મા આચાર્ય કેન્દ્રિય વિદ્યાલય દ્વારકા, શ્રી નીરવ જોશી આચાર્ય મીઠાપુર હાઇસ્કૂલ, હાજર રહ્યા હતા. આભારવિધિ શ્રીમતી રંજનબેન ભટનાગર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં શાળાના ઇકો કલબના મેમ્બરો, શિક્ષકો ઉપરાંત આચાર્ય આર કેે.શર્માનો સિંહફાળો રહ્યો હતો.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયાઃમીઠાપુર)

(11:49 am IST)