સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

ચોટીલા જમીન કૌભાંડમાં સંડોવાયેલ નાયબ મામલતદાર ધાડવીની ૪૯ લાખની અપ્રમાણસરની મિલ્કતો મળી આવી

નાયબ મામલતદાર જયેન્દ્રકુમાર ધાડવીએ નોટબંધી વખતે ૩૧.૨૨ લાખની રોકડ રકમ તેના તથા કુટુંબીજનોના ખાતામાં જમા કરાવી'તીઃ એસીબીના બેનામી એન્ડ ડીસ્પ્રપોશેનટ એસેટ યુનીટ દ્વારા બેનામી સંપતિનો વધુ એક ગુન્હો દાખલ કરાયો : એસીબીના બેનામી એન્ડ ડીસ્પ્રપોશનેટ એસેટ યુનીટ દ્વારા ચાલુ વર્ષે ૧૧ કેસોમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ૧૩ કરોડની બેનામી સંપતી શોધી કાઢીઃ અઢી કરોડથી વધુની બેનામી મિલ્કતોના ૭ કેસો તપાસ અર્થે આવક વેરા વિભાગને સુપ્રત કરાયા

રાજકોટ, તા., ૬: સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના જમીન કૌભાંડમાં સંડોવાયેલ  અને હાલ ફરજ મોકુફ નાયબ મામલતદાર જયેન્દ્રકુમાર લાલજીભાઇ ધાડવની ૪૯.ર૭ લાખન બેનામી સંપતી એસીબીની તપાસમાં મળી આવતા તેના વિરૂધ્ધ સુરેન્દ્રનગર એસીબીમાં બેનામી સંપતી ધારણ કરવા અંગે ગુન્હો દાખલ થતા  લાંચીયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના જમીન કૌભાંડ અંગે સુરેન્દ્રનગર કલેકટરે ખુદ ફરીયાદી બની તત્કાલીન નિવાસી અધિક કલેકટર, નાયબ કલેકટર વી.ઝેડ. ચૌહાણ તથા નાયબ મામલતદાર જે.એલ.ધાડવી તથા અન્ય તમામ વિરૂધ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવેલ હતો. જેની તપાસ એસીબી રાજકોટના ડીવાયએસપી એચ.પી.દોશી ચલાવી રહયા છે.  આ કૌભાંડમાં આક્ષેપીત મહેસુલ અધિકારીઓએ ફરજ દરમિયાન કાયદેસરની આવકના સ્ત્રોતો કરતા વધુ પ્રમાણમાં ગેરકાયદેસર મિલ્કતો વસાવેલ છે કે કેમ? તે અંગે અધિક નિયામક લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદ દ્વારા તપાસના આદેશ કરવામાં આવતા નાયબ મામલતદાર જયેન્દ્રકુમાર લાલજીભાઇ ધાડવીની અપ્રમાણસરની મિલ્કતો અંગે એસીબીના મદદનીશ નિયામક ફિલ્ડ-૧ જી.વી.પઢેરીયા દ્વારા તપાસ કરવામાં આવતા નાયબ મામલતદાર જયેન્દ્રકુમાર ધાડવીએ તેની કાયદેસરની આવક કરતા ૬૮.ર૯ ટકા એટલે કે ૪૯.ર૭ લાખની અપ્રમાણસરની સ્થાવર અને જંગમ મિલ્કતોમાં રોકાણ કર્યાનું ખુલ્યું હતું.

આક્ષેપીત નાયબ મામલતદાર જયેન્દ્રકુમાર એલ.ધાડવીએ તેના તથા તેના કુટુ઼બીજનોના બેંક ખાતાઓમાં ૩ર.૩૪ લાખની રોકડ રકમ જમા કરાવ્યાનું ખલ્યું હતું જે પૈકી ૩૧.રર લાખની રોકડ રકમ નોટબંધી વખતે જમા કરાવ્યાનું ખુલ્યું હતું અને આટલી મોટી માતબર રોકડ રકમ તેઓએ કયાંથી અને કેવી રીતે મેળવેલ છે? તે અંગે નાણાકીય દ્રષ્ટિકોણથી સ્વીકારી શકાય તેવો ખુલાસો એસીબી સમક્ષ કરી શકયા ન હતા.

નાયબ મામલતદાર જયેન્દ્રકુમાર ધાડવી એ તા. ૧-૪-ર૦૧પ થી ૧૯-ર-ર૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન પોતાની કાયદેસરની આવકના સ્ત્રોતમાંથી થયેલ આવકના પ્રમાણમાં ૪૯.ર૭ લાખની બેનામી  સ્થાવર અને જંગમ  મિલ્કતોમાં રોકાણ કર્યાનું ફલીત થતા સરકાર તરફે એસીબીના મદદનીશ નિયામક ફિલ્ડ-૧ જી.વી.પઢેરીયાએ  નાયબ મામલતદાર ધાડવી સામે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવેલ છે. આ અંગેની વધુ તપાસ સુરેન્દ્રનગરના એસીબીના પીઆઇ ઝેડ જી.ચૌહાણ ચલાવી રહયા છે.

અત્રે એ નોંધનીય છે કે ચાલુ વર્ષે એન્ટીકરપ્શન બ્યુરો ખાતે મદદનીશ નિયામક કક્ષાના અધિકારીના વડપણ હેઠળ કાર્યરત  બેનામી એન્ડ ડીસ્પ્રપોશનેટ એસેટ યુનિટ દ્વારા સરકારી અધિકારી અને કર્મચારીઓ દ્વારા વસાવવામાં આવેલ અપ્રમાણસાર મિલ્કતોના ૧૧ કેસો નોંધી ૧૩ કરોડની અપ્રમાણસર તથા બેનામી મિલ્કતો શોધી કાઢવામાં આવેલ છ અને અઢી કરોડથી વધુની બેનામી મિલ્કતોના કુલ ૭ કેસો શોધી આવક વેરા વિભાગને તપાસ અર્થે મોકલી આપેલ છે.

(3:46 pm IST)