સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

રાણપુરમાં ખાણખનીજ ટીમ પર ભૂમાફિયાઓનું ફાયરિંગ

હાહાકાર મચાવતો આતંકઃ ગાંધીનગરની ટીમે રેડ પાડતા અધિકારી અને કર્મચારીઓ પર હુમલોઃ હવામાં ગોળીઓ છોડી ભાગી ગયેલા ૯ સામે ફરિયાદ

વઢવાણ,તા.૬: બોટાદ જિલ્લાના રાણપુર સહિત આસપાસનાં ગામોમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે મોટાપાયે રેતી સહિતની ખનીજ સંપત્ત્િ।નું ખનન અને વહન કરી સરકારી તીજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે જે અંગે અવાર-નવાર સ્થાનિક તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નહોતો. આથી સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ગાંધીનગર ખાણ ખનીજ વિભાગનાં અધિકારી અને ફલાઈંગ સ્કોર્વડની ટીમે ગેરકાયદેસર રેતી ચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન રાણપુરના પાળીયાદ ત્રણ રસ્તા પાસે આવેલ રવિરાજ હોટલના કંમ્પાઉન્ડમાં ૯ થી વધુ ભુમાફીયાઓએ એકસંપ થઈ ખાણ ખનીજ વિભાગનાં અધિકારી પ્રતિકકુમાર બારોટ ઉ.વ.૨૮ રહે.મહેસાણાવાળા તથા અન્ય સ્ટાફ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ અધિકારીને મારી નાંખવાના ઈરાદે પીસ્તોલ જેવું હથિયાર બતાવી હવામાં ગોળીબાર કરીગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી રોયલ્ટી પાસ વગરના રેતી ભરેલ ડમ્પરોને લઈ નાસી છુટયાં હતાં જે અંગે ભોગ બનનારે ૯ જેટલાં શખ્સો સામે રાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ ઈન્ચાર્જ પોલીસ ઈનસ્પેકટર એ.બી.દેવધા ચલાવી રહ્યાં છે.

બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ખનીજ ચોરીના ચેકીંગ અર્થે ગયેલ ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગનાં અધિકારી સહિતની ટીમ સાથે ઝપાઝપી તેમજ હવામાં ફાયરીંગનો બનાવ બન્યાની જાણ થતાં ડીએસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઝપાઝપી કરનાર ભુમાફીયાઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

જેમાં (૧) મોહન ઉર્ફે ભીમ બોળીયા રહે.બોટાદ (૨) દેવાભાઈ વરજાંગભાઈ ભુવા રહે.નાની વાવડી (૩) કાનાભાઈ વિભાભાઈ ભરવાડ રહે.રાણપુર (૪) ભીખાભાઈ ધરમશીભાઈ મકવાણા રહે.નાની વાવડી (૫) હિતેષભાઈ વજુભાઈ દુમાદીયા રહે.કુંડલી (૬) વનરાજભાઈ બોળીયા રહે.બોટાદ (૭) જીગ્નેશભાઈ દ્યુડાભાઈ બાંમ્ભા રહે. રાણપુર (૮) ભોળાભાઈ રાજાભાઈ ચૌહાણ રહે.સેથળી અને (૯) જગદીશભાઈ શામજીભાઈ ધરજીયા રહે.રાણપુર તથા અન્ય અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી હતી.

(3:29 pm IST)