સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

ભાવનગર યાર્ડમાંથી ડુંગળીના ૧૪ થેલાની ચોરી

ભડકે બળતા ભાવ વચ્ચે તસ્કરોએ નવો રસ્તો અપનાવ્યોઃ ર૦ કિલોના રૂ.૧૬રર ઐતિહાસિક ભાવે હરરાજી

ભાવનગર :  માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના ઢગલા અને હરરાજી થતી નજરે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

 ભાવનગર તા. ૬ : ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ૧૪ થેલાની ચોરી થતા દેકારો મચી જવા પામ્યો હતો.

ડુંગળીના ભાવ સેન્સેકસની જેમ પ્રતિદિન ઉછળી રહ્યા છે. ત્યારે મોંઘીદાટ બનેલી ડુંગરી ચોરાયાનો બનાવ ભાવપર માર્કેટીંગયાર્ડમાં બનવા પામ્યો છે. એક વેપારીએ ઉંચા ભાવે ખરીદેલી ડુંગળીની ૧૪ થેલીઓ આજે ચોરાતા દેકારો મચી ગયો હતો અને પોલીસને બોલાવવામાં આવી હતી આ અંગે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી દોલુભાઇ સરવૈયાએ માર્કેટીંગ યાર્ડના ગ્રાઉન્ડમાંથી ડુંગળીની ૧૪ થેલી ચોરી થઇ હોવાનું જણાવ્યું છે.

ભાવનગર માર્કેટીંગયાર્ડમાં ડુંગળીના ઉંચા ભાવ ખેડુતોને મળી રહ્યા છે.ભાવનગર યાર્ડમાં રૂ.૧૬રર ના ઐતિહાસીક ભાવે ડુંગળીની હરરાજી થઇ છે જો કે આ વખતે ખેડુતોને વીઘા દીઠ ૧૦૦ થેલા સામે માત્ર ૧પ થેલાનો ઉતારો જ આવ્યો છે જેથી ડુંગળીના ભાવ વધુ મળવા છતા ખેડુતોને ખાસ ફાયદો થયો નથી.

ભાવનગર માર્કેટીંગયાર્ડના વેપારી એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું ડુંગળી અગાઉ ૧ર૦૦ રૂ. સુધી વેચાઇ હતી પરંતુ ભાવનગર યાર્ડ અસ્તિત્વમા આવ્યું ત્યાર બાદ પ્રથમવાર જ રૂ.૧૬૬ર ના ભાવે પ્રથમવાર જ ડુંગળી વેચાઇ છે. આ વર્ષે ડુંગળીનાનહિવત પાકને કારણે ડુંગળીના વધુ ભાવ ખેડુતોને મળી રહ્યા છે.

(11:52 am IST)