સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

જૂનાગઢની સર્વોદય બ્લડ બેંક નેચર કલબ દ્વારા પરિક્રમાના બોરદેવી રૂટ ઉપર પ્લાસ્ટિક સફાઇ કાર્ય

જૂનાગઢ તા.૬: મહેન્દ્રભાઇ મશરૂએ સેવાના હેતુ માટે સ્થાપેલ સર્વોદય બ્લડ બેંક દ્વારા અનેકવિધ સેવા કાર્યો અવિરત રીતે ચાલી રહેલ છે. કેટલાક વર્ષોથી ગિરનાર પરિક્રમામાં આવતા લાખો યાત્રાળુઓ દ્વારા પરિક્રમાના રૂટ ઉપર પ્લાસ્ટિકનો કચરો છોડી દેવાતો હોવાથી સમગ્ર જંગલમાં ભારે ગંદકી ઉભી થતી હોવાથી વન્ય પ્રાણીઓ (હરણ - નિલગાય જેવા)ને તથા પર્યાવરણને ભારે નૂકશાન થતુ જોઇ છેલ્લા કેટલાક વર્ષોથી પ્લાસ્ટીક કચરાના નિકાલ માટે પ્લાસ્ટીક સફાઇ ઝુંબેશ હાથ ધરવાની મશરૂભાઇ તથા સાથી મિત્રોએ શરૂઆત કરી.

સર્વોદય બ્લડ બેંક તરફથી આ સફાઇ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહેલ છે. તાજેતરમાં સર્વોદયના સ્વયંસેવકો દ્વારા પરિક્રમાના બોરદેવી રૂટ ઉપર લગભગ ૮ કિલો મીટર એરીયામાં જયાં વધુ પ્લાસ્ટીકનો કચરો રૂટ ઉપર પડેલ હતો ત્યાં વનવિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ સ્વયંસેવકોએ કચરો એકઠો કર્યો હતો.

(11:44 am IST)