સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

માંડવી મુન્દ્રા વચ્ચે ઓઇલ પાઇપલાઇન સામે ખેડૂતો લાલઘૂમ

૪૨ મીટરની જંગી પાઈપ લાઈનથી ૧૩ ગામની ખેતી નષ્ટ થવાનો ભય, મુન્દ્રા પ્રાંત અધિકારીએ વિરોધ છતાંયે કંપનીની તરફેણ કરતા ખેડૂતોનો રોષ ભભૂકયો

ભુજ, તા.૬:  વિકાસની પરિભાષા કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત ખેતી, પશુપાલન, માછીમારી અને મીઠાના અગરોના વ્યવસાય ઉપર જોખમ સર્જી રહી છે. ફરી એકવાર કચ્છના ખેડૂતોને ઓઇલ પાઇપલાઇન સામે તેઓ વિરોધ પ્રદર્શિત કરવા પહોંચ્યા ત્યારે તેમને સરકારી અધિકારી કંપનીની તરફેણ કરતા હોવાનો કડવો અનુભવ થયો હતો. અત્યારે માંડવી તાલુકાના ત્રગડી ગામથી મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ વચ્ચે એચપીસીએલ દ્વારા ૫૦ કીમીની ૪૨ મીટરની જંગી ત્રિજયા ધરાવતી પાઇપલાઇન નાખવાનું આયોજન છે, જેના કારણે ૧૩ ગામોની ખેતી ઉપર સંકટ ઉભું થશે. જોકે, પર્યાવરણ સુનાવણી દરમ્યાન ખેડૂતોના ઉગ્ર વિરોધ દરમ્યાન ખેડૂતોના ઉગ્ર વિરોધ બાદ મુન્દ્રના પ્રાંત અધિકારી વસ્તાણીએ ખેડૂતોની ગેરહાજરી નોંધી હોવાનો આક્ષેપ થયો છે. પણ, ખેડૂતોને તે અંગે જાણ થતાં ભારે હોબાળો થયા બાદ પ્રાંત અધિકારીએ ભૂલ થઈ હોવાનું કહીને ફેરવી તોળ્યું હોવાનો પણ દાવો ખેડૂતોએ કર્યો હતો. દરમ્યાન, કંપની જો દરિયાઈ પટ્ટામાંથી પાઇપલાઇન કાઢે તો પાણીના બોર તેમ જ ધર્મસ્થાનો બચી શકે તેવું સૂચન પણ ખેડૂતોએ કર્યું છે.

(11:37 am IST)