સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

નવલખી કંડલાના દરિયામાં ચાંચીયાઓ ત્રાટકયા- છરીની અણીએ બંધક બનાવી લૂંટ

નવલખીની શ્રીજી શિપિંગ કંપનીના કર્મચારીઓ લૂંટાયા, ચાંચીયાગીરી અને લૂંટના બનાવથી શિપિંગ કંપનીઓમાં ડર અને ચિંતા

 ભુજ તા.૬: નવલખીથી બાર્જ (નાના જહાજ) દ્વારા કંડલાના દરિયામાં કોલસા ભરેલા જહાજ પાસે જઈ રહેલા શિપિંગ કંપનીના કર્મચારીઓ ને બંધક બનાવીને લૂંટી લેવાના બનાવે ચકચાર સર્જી છે. કંડલા મરીન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત ૧૩/૧૧ ના રોજે રાત્રે ૮ વાગ્યાના અરસામાં નવલખીની શ્રીજી શિપિંગ કંપનીના કર્મચારીઓ બીપી ૧૫૫૯ જીત સાગર નામના બાર્જ સાથે કંડલા મધ્યે દરિયામાં ઉભા રહેલા કોલસો ભરેલા શિપમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને નવલખી પાસેના દરિયાના ખાડી વિસ્તારમાં સાત થી આઠ બોટોએ ઘેરી લીધા હતા. દરમ્યાન આ બોટમાંથી ત્રણેક શખસોએ બાર્જ ચલાવતા શંકર ચૌધરી અને અન્ય લોકોને છરીની અણીએ બંધક બનાવીને ૧૯૦ લીટર ડીઝલ તેમ જ મોબાઈલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. બાર્જમાં સવાર રમણકુમાર, સિકંદરખાન, શંકરકુમાર સિંગ, રઘુવીર શર્મા, બીરેન શર્મા અને બાર્જ ચાલક તરીકે શંકર લક્ષ્મીભાઈ ચૌધરી હતા. પોલીસમાં ૧૪ હજારના મુદ્દામાલની લૂંટની ફરિયાદ બાર્જ ચાલક શંકર ચૌધરીએ નોંધાવી છે. દરમ્યાન ચાંચીયાગીરી ના આ બનાવે શિપિંગ કંપનીઓમાં હડકંપ સર્જ્યો છે.

(11:36 am IST)