સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

ભાવનગરમાં 'અનોખું ઉડાન અમારું' ૮માં વિશિષ્ટ પ્રદર્શનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો ૫૭ શાળા -કોલેજના ૬૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

ભાવનગર તા.૬:પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવા રાજયની જાણીતી એવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા અને રાષ્ટ્રીય અંધ જન મંડળ ભાવનગર જીલ્લા શાખાના સંયુકત ઉપક્રમે ત્રિ-દિવસીય 'અનોખું ઉડાન અમારું' વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાવનગર અને બોટાદ જીલ્લાની છેલ્લી માહિતી મળવા મુજબ ૫૭ થી વધુ શાળાઓનાં ૬૫૦૦ થી વધુ વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી.સાથોસાથ શહેરના પ્રબુધ્ધ નાગરિકોએ આ વિશિષ્ટ પ્રદર્શનની મુલાકાત લઇ પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓની આવડતને બિરદાવી હતી.

વિકલાંગોને શિક્ષણ આપતી ખાસ શાળાઓમાં ખાલી પડેલ જગ્યાઓ છેલ્લા દ્યણા વર્ષથી ભરવામાં આવતી નથી. એટલું જ નહી આવી મંજુર થયેલ મોટાભાગની જગ્યાઓ રાજયસરકાર દ્વારા કરકસરનાં બાના નીચે રદ કરી દેવામાં આવી છે. દેશ અને રાજયનું ભાવી સુકાન વર્તમાન સંવેદનશીલ વિદ્યાર્થીઓના હાથમાં જયારે આવશે ત્યારે આવી સંસ્થાઓ માટે સોનેરી સૂર્ય ઉગશે પરિણામે પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગોનાં કાર્યને વેગ મળશે. તેમ સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી. સોનાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

(11:35 am IST)