સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

મોબાઇલમાં મશગુલ પતિએ ટ્રેક્ટરથી પત્નિને કચડી નાંખી

ધ્રાંગધ્રા નજીક બનાવથી ભારે ચકચારઃ પત્નિ કટરમાં ફસાઈ જતાં બન્ને પગ કપાયા : એક કલાકની ભારે જહેમત બાદ કપાયેલ પગ સાથે પત્નિને બહાર કઢાઇ

ધ્રાંગધ્રા, તા.૫: ધ્રાંગધ્રાના સોલડી ગામની સીમમાં પતિ-પત્ની કપાસની સાઠીયું પાડી રહ્યા હતા. આ સમયે ટ્રેક્ટર ચલાવતા પતિ મોબાઇલમાં વાત કરવામાં એટલો મશગૂલ હતો કે, વાતમાં ને વાતમાં તેણે પોતાની પત્નીને ટ્રેક્ટરની અડફેટે લીધી હતી. પત્ની કટરમાં એટલી ખતરનાક રીતે ફસાઇ ગઈ હતી, કે છેવટે તેના બંને  પગ કાપવા પડયા હતા. પત્નીની ચીસાચીસ અને રોકકળની બૂમો સાંભળી પતિએ ટ્રેક્ટર બંધ કરી દીધુ હતુ. આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. એક કલાકની ભારે જહેમત બાદ આખરે કપાયેલા પગ સાથે પત્નીને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, તેણીને વધુ સારવારની જરૂરિયાત ઉભી થતાં તેને અમદાવાદ લઇ જવાઇ હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પત્નીના પગ કપાઇ જવાના સમાચાર પ્રસરતાં સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં આવેલી વાડીએ અશ્વિનભાઇ પટેલ અને તેમના પત્ની કુંદનબેન પટેલ કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન અશ્વિનભાઇ ટ્રેક્ટરમાં કપાસની સાઠીયુ પડવાનું કટર ફીટ કરી ચલાવી રહ્યા હતા. જ્યારે કુંદનબેન ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. દરમ્યાન ફોન આવતા અશ્વિનભાઇ ફોનમાં વાત કરવામાં મશગૂલ રહેતાં ટ્રેક્ટરની અડફેટે કુંદનબેન આવી જતાં તેના પગ કટરમાં આવી જતા બંને પગ કપાઇ ગયા હતા. કુંદનબેને જોરજોરથી ચીસો પાડતાં અશ્વિનભાઇએ ટ્રેક્ટર ઉભુ રાખી તેમને કટરમાંથી બહાર કાઢવાની કોશિક કરવા લાગ્યા હતા. આ બનાવની જાણ થતા આસપાસ ખેતરમાં કામ કરતા લોકો પણ દોડી આવ્યા હતા અને કટર ખોલી એક કલાકની મહેનત બાદ ફસાયેલ કુંદનબેનને કપાયેલ પગ સાથે બહાર કાઢી ધ્રાંગધ્રા દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(10:17 pm IST)