સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

ધોરાજીના બેરોજગાર યુવાને વડાપ્રધાન મોદીને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મોકલી વ્યથા ઠાલવી

સંકેત મકવાણા નામના યુવાને ડીસ્ટિંક્શન ક્લાસમાં MSW કર્યું હોવા છતાં નોકરી ન મળતા કંટાળ્યો

રાજકોટ: ધોરાજીના એક બેરોજગાર યુવાને વડાપ્રધાન મોદીને પોતાની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મોકલી છે. સંકેત મકવાણા નામના યુવાને ડીસ્ટિંક્શન ક્લાસમાં MSW કર્યું હોવા છતાં નોકરી ન મળતા કંટાળીને આ પગલું ભર્યું હતું. તેણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને એક પત્ર પણ પાઠવ્યો છે. જેમાં વર્ષ 2014 માં વડાપ્રધાન મોદીએ 2 કરોડ લોકોને રોજગારી આપવાનો વાયદો યાદ કરાવી 2000ની ભરતીમાં 10 લાખ ફોર્મ શા માટે ભરાય છે ? તેવો વેધક સવાલ પણ ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે નોકરી ન મળે તેવી ડિગ્રી રાખવા કરતા તો ખેતમજૂરી કરવી સારી..

  સંકેતે જણાવ્યું હતું કે, વડાપ્રધાને 2014માં સત્તા પર આવ્યા અગાઉ 2 કરોડ યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ આજે માત્ર 2000 તલાટીની ભરતીમાં 10 લાખ લોકો ફોર્મ ભરે છે. ત્યારે ડિગ્રી મેળવ્યા બાદ પણ વર્ષો સુધી નોકરી મળે એવા કોઈ એંધાણ નથી. સરકાર દ્વારા માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને આઉટસોર્સિંગથી 5 થી 7 હજારના પગારમાં યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

સઁકેતે કહ્યું હતું કે આ ડિગ્રી તેમના સુધી પહોંચાડવા માટે હું અન્ય યુવાનો સાથે ડે. કલેક્ટર પાસે ગયો હતો. પરંતુ તેમણે મને PMO માં કુરિયર કરવાનું જણાવતા અંતે મે મારી ડિગ્રી કુરિયર દ્વારા વડાપ્રધાનને મોકલી આપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે સંકેત સહિત અન્ય 25 જેટલા યુવાનો ડે. કલેકટર પાસે ગયા હતા. અને સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

(11:35 am IST)