સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

કુંવરજીભાઇ તમે તમારી આંગળી કાપી નાખી છે કે,ખૂદને મત નથી આપવાના?: ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂનો સવાલ

ભાડલા ગામે આયોજિત લોકડાયરામાં રાજ્યગુરૂએ કુંવરજીભાઈને તેનો મેસેજ યાદ કરાવ્યો

જસદણ પેટાચૂંટણીમાં રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ  રાજ્યગુરૂએ જસદણના વિવિધ ગામોમાં લોકડાયરાઓ યોજીને તેઓ કોઈપણ પક્ષમાં ન હોવા છતાં બાવળીયા સામે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગતરાત્રે ભાડલા ગામે ઈન્દ્રનીલભાઈ  દ્વારા લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કુંવરજીભાઈએ પોતાના સોશિયલ મીડિયામાં લખેલા મેસેજ 'ભાજપને મત આપવાને બદલે મારી આંગળી કાપી નાંખીશ' યાદ કર્યો હતો અને તમે તમારી આંગળી કાપી નાખી છે કે, ખુદને મત નથી આપવાના? તેવો વેધક સવાલ કર્યો હતો.

ઈન્દ્રનીલ ભાઈ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, જ્ઞાતિ-જાતિ કે ખોટા વાયદામાં ભરમાયા વિના હંમેશા તમારો મત યોગ્ય ઉમેદવારને જ આપજો. બાદમાં જસદણ પેટાચૂંટણી અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અપક્ષમાં કોઈ યોગ્ય ઉમેદવાર હોય તેવું મને નથી લાગતું. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારમાં કુંવરજીભાઈ  બાવળીયા ભ્રષ્ટ હોવાનો અને અવસર નાકિયા યોગ્ય ઉમેદવાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.   

  ઉપરાંત બાવળીયા માત્ર મંત્રીપદ માટે ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ કરતા તેમણે કુંવરજીભાઈની આંગળી વિશે સવાલ ઉઠાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કુંવરજીભાઈ  અને ઈન્દ્રનીલભાઈ  વચ્ચે અણબનાવ જોવા મળ્યો હતો.

(11:18 am IST)