સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th December 2017

આજે હોમગાર્ડઝ-ડે

જામનગર : દેશની રક્ષામાં જેમ લશ્કરી જવાનો હોય છે. તેમ આપણા હોમગાર્ડઝનું પણ એટલું જ મહત્વ છે. ડો. ઝાકારીહુશેન સાહેબે હોમગાર્ડઝ દળની સ્થાપના કરી શ્રી મોરારજીભાઇ દેસાઇએ દળમાં પ્રાણ પૂર્યા. ૬ઠ્ઠી ડીસેમ્બર હોમગાર્ડઝ-ડે તરીકે ઉજવાય છે. સૌરાષ્ટ્રરચના વખતે આઝાદ હીંદ ફોજના કર્નલ (અમારા ગુરૂ) બીસનસિંહજીએ હોમગાર્ડઝનું સુકાન સંભાળેલ. તેઓ સૌરાષ્ટ્રમાં હોમગાર્ડઝ ગ્રામ રક્ષક દળ, એસ.આર.પી. વિગેરેના કમાન્ડન્ટ હતા. તેઓએ આઝાદ હીંદ ફોઝમાં રાષ્ટ્ર પ્રેમી તથા યુદ્ધની તાલીમ પામેલા દરેક જીલ્લામાં અધિકારી તરીકે નિમણૂંક કરી. તેઓએ તે વખતના દેશદાઝના લેકચરો આપી નાગરિકોને નિષ્ઠાપૂર્વક હોમગાર્ડઝ દળને તૈયાર કરવાનો પ્રયાસ કર્યો. આથી નાગરિકોએ દેશદાઝનો તથા પોતાના વધારાના સમયનો દેશ સેવા કરવાનો નિર્ણય લીધો.

ત્યારબાદ સરકારશ્રીએ દળને મજબૂત કરવામાં સિંહ ફાળો આપ્યો. તેની ફલશ્રુતિરૂપે બેરોનેટ કુટુંબના ઉદયન ચીનુભાઇ (અર્જુન એવોર્ડ)ની ઓનરરી કમાન્ડન્ટ જનરલ તરીકે નિમણૂંક કરી તેઓશ્રીએ અમદાવાદના હોમગાર્ડઝની વિશાળ જગ્યા સરકારશ્રીને નિઃશુલ્ક આપી.

૧૯૬રની સાલમાં જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે ડો. વી.એસ. ચુડાસમાની નિમણૂંક થઇ તેઓએ સંસ્થાને વિસ્તૃત કરવામાં સિંહફાળો આપ્યો.

હોમગાર્ડઝને ટ્રેનીંગમાં રાયફલ શુટીંગ લાઠીદાવ, જુડો, કરાટે તેમજ જામનગર શહેર સીીવલ ડીફેન્સની દૃષ્ટિએ 'એ' કેટેગરી હોય. તેની તાલીમ આપવામાં આવે છે.

હોમગાર્ડઝનો યુનિફોર્મ પહેરવાથી ફકત પોલીસ સાથે ફરજ બજાવી શકાય. પરંતુ તાલીમ લઇ સજજ થયેલા જવાનો હોય તો જ દેશની વધારે સારી રીતે સેવા કરી શકે.

અમારા સમયમાં જામનગર જીલ્લાના દરેક તાલુકાઓમાં સીવિલ ડીફેન્સની અદ્યતન તાલીમ આપવામાં આવતી અને તેનો ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવતા. જામનગરના દરેક મોટા બિલ્ડીંગોમાં આ પ્રકારના નાગરિક સમક્ષ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યા હતા. સીવિલ ડીફેન્સની સારી તાલીમ આપવાથી આફતના સમયે સારી ફરજ બજાવી શકે. દા.ત. લાલપુરની નદીમાં ૧૯૮૪માં બસ ઉંધી વળી જતા હોમગાર્ડઝ જવાનોએ બસમાંથી ઘણા લોકોને ઉગારી તેની જાન બચાવી હતી. લીમડાલાઇનમાં એરફોર્સનું એરોપ્લેન ક્રેશ થતું હતું ત્યારે સીવિલ ડીફેન્સની તાલીમ પામેલ જવાનોએ ઘણાની જીંદગી બચાવી હતી. કેરળમાં સુનામી આવેલ ત્યારે મોટા પ્રમાણમાં જાનહાની થઇ હતી, પરંતુ એક શહેરમાં સીવિલ ડીફેન્સ તાલીમ પામેલા નાગરિકો હતાં તેથી એક પણ માણસની જીંદગીની ખુવારી થઇ ન હતી.

જામનગર જીલ્લામાં હોમગાર્ડઝમાં હાલમાં સુંદર કામગીરી કરી રહી છે. તાજેતરમાં સંસ્થાના જ અધિકારી શ્રી સુરેશભાઇ ભીંડીની જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે નિમણૂંક કરી તે ખૂબ જ આવકારદાયક છે.

કુદરતે ૧૯૭૯ સાલમાં મોરબી શહેરમાં કારમી થપાટ મારી ત્યારે જામનગર હોમગાર્ડઝની ટીમ આર.એસ. ભટ્ટની રાહબારી હેઠળ ૬૦ હોમગાર્ડઝની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી. જેની નોંધ જે તે વખતના મુખ્યમંત્રીશ્રી બાબુભાઇ જશભાઇ પટેલે પણ લીધી હતી. જામનગર હોમગાર્ડઝના કમાન્ડો જેવા અધિકારી તથા જવાનો જે દિવસે મચ્છુ ડેમની ગોઝારી ઘટના બની તેજ દિવસે જામનગર હોમગાર્ડઝની ટીમ મોરબી પહોંચી રાત-દિવસ જોયા વગર મૃત પામેલ લોકોની ડેડ બોડી એકઠી કરી તાત્કાલીક બનાવેલ સ્મશાનમાં ૩૦૦ જેટલી ડેડ બોડીને અગ્નિદાહ દેવાની કામગીરી કરેલ હતી. એટલું જ નહીં શબો પર જે ચીજવસ્તુઓ મળેલ તે સરકારશ્રીમાં જમા કરાવેલી. આ કામગીરીને આજે પણ લોકો યાદ કરેલ છે.

હોમગાર્ડઝ સંસ્થામાં ઘણા અધિકારીઓએ કેમ્પમાં તથા સીવિલ ડીફેન્સ એકસસાઇઝમાં હાજર રહી પ્રોત્સાહીત કરેલ. સ્વ. મોરારજીભાઇ દેસાઇ પૂજય સત્યસાંઇ બાબા તેમજ મુખ્યમંત્રીશ્રી બાબુભાઇ જશભાઇ પટેલ, સ્વ. જામ સાહેબ દિગ્વીજયસિંહજી, સ્વ. જનરલ રાજેન્દ્રસિંહજી કલેકટરશ્રી રથ. ડી.એસ.પી. શ્રી અસ્થાના ડી.એસ.પી.ઇ. રાધાકૃષ્ણા, કમિશ્નર સંગીતાબેન સિંહ, કલેકટર સંજય પ્રસાદ, બ્રીગેડીયર સુખવંતસિંહજી મેજર બ્રાર સાહેબ વિગેરે અધિકારીઓ કેમ્પમાં રકતદાન સમયે તથા સિવિલ ડીફેન્સની એકસસાઇઝ ડેમોસ્ટ્રેશનમાં હાજર રહ્યા હતાં.

જામનગર જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડર પદે ૧૦ વર્ષ સુધી રહી ચૂકેલા અને ત્રણ-ત્રણ મહત્વના એવોર્ડ મેળવી ચૂકેલા અને ખીમરાણા ગામના વતની રસીકલાલ શાંતિલાલ ભટ્ટ(આર.એસ. ભટ્ટ) તા. ૦૧-૦૩-૧૯૩૭ના રોજ જન્મેલા ભટ્ટે હોમગાર્ડઝ ક્ષેત્રે જવલંત કામગીરી કરતા રાજય સરકારે ૧૯૭૭માં ગર્વનર એવોર્ડ (ગોલ્ડ મેડલ) તથા ૧૯૯૪માં ભારત સરકારે ગુજરાતમાંથી એક માત્ર વ્યકિતને પસંદ કરી સર્વોચ્ચ રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો છે. તેમાં આર.એસ. ભટ્ટનું નામ છે.

સંકલન

આર.એસ. ભટ્ટ

પૂર્વ જીલ્લા હોમગાર્ડઝ

કમાન્ડન્ટ -જામનગર

(4:16 pm IST)