કચ્છમાં ખાટલામાં ભેગા સુવાનું કહેનાર સસરાએ વહુની કમરમાં ચિંટીયો ભર્યો
રાપરમાં છેડતી કરનાર સસરાને ટપારતા સાસુ અને પતિએ વહુને લમધારતા પોલીસ ફરિયાદ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : વર્તમાન સમયમાં આંતરીક મર્યાદાના થતાં લોપના બનાવો સબંધોને શર્મસાર કરી રહ્યા છે. રાપર તાલુકાના રાસાજી ગઢડા ગામે ૨૩ વર્ષીય યુવાન પરીણિતાએ પોતાની જાતીય સતામણી કરનારા સસરા ઉપરાંત તેમને સાથ આપનાર સાસુ અને પતિ વિરૂધ્ધ છેડતી અને દહેજધારા હેઠળ પોલીસ ફરિયાદ કરી છે. ૨૩ વર્ષીય યુવાન વહુ ઘેર રાત્રે ખાટલા ઉપર સુતી હતી ત્યારે સસરાએ એજ ખાટલા ઉપર પરીણિતાને હટી જગ્યા કરવાનું કહી તેણીની સાથે સુવાનું કહ્યું હતું. જોકે, ગુસ્સે થયેલી વહુએ સાસુને બોલાવતાં સસરો બીજા રૂમમાં ચાલ્યો ગયો હતો. બીજા દિવસે વહુ રસોઈ બનાવતી હતી ત્યારે સસરો આવ્યો હતો અને વહુને કમરમાં ચિટીયો ભર્યો હતો. ગુસ્સે થયેલી વહુએ વાસનાંધ સસરાને ટપારી ફરી સાસુને બોલાવી પોતાના પતિને પણ ફરિયાદ કરી હતી. જોકે, બદલામાં વહુને સાસુ, સસરા અને ધણીએ લમધારી હતી. અંતે વહુએ વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.