સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th November 2018

કેશોદના પાણખાણના વૃધ્ધ રાજકોટમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતાં પટકાયાઃ મોત

આંખની સારવાર માટે આવ્યા'તાઃ પરત કેશોદ જતી વખતે બનાવ

રાજકોટ તા.૬: કેશોદના પાણખાણ ગામના વણકર વૃધ્ધ લાખાભાઇ વેજાનંદભાઇ સોંદરવા (ઉ.૭૫) રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવા જતાં પડી જતાં મોઢા-માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

લાખાભાઇને આંખમાં તકલીફ હોઇ તેના દોહિત્ર નરેન્દ્રભાઇ સહિત ત્રણ લોકો સાથે ગઇકાલે રાજકોટ રણછોડદાસબાપુની આંખની હોસ્પિટલે બતાવવા આવ્યા હતાં. બાદમાં બપોરે સાડા ત્રણેક વાગ્યે પરત કેશોદ જવા જંકશન પહોંચ્યા હતાં. ટ્રેન આવતાં તે ઉભી રહે એ પહેલા ધીમી પડતાં લાખાભાઇ ચાલુ ટ્રેનમાં ચડવા જતાં બેલેન્સ ગુમાવતાં પટકાયા હતાં અને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ રાત્રીના તેમનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે રેલ્વે પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્રી છે. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(11:57 am IST)