સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 6th October 2019

હરીપરની તરૃણીનું અપહરણ અને બનાવટી દસ્તાવેજ વડે લગ્ન નોંધણી કરાવી લેવાઇ

બે શખસ સામે ફરિયાદઃ ટેભડાના તલાટી અને સાક્ષી અંગે પણ તપાસ થશે

જામનગરઃ જામનગર પાસેના હરિપર ગામની તરૃણીનું એકાદ માસ પહેલા અપહરણ થયુ હતુ. બનાવટી દસ્તાવેજો તૈયાર કરી લગ્ન નોંધણી કરી લેવાયાનું ખુલ્યું છે.

હરિપર ગામની તરૃણી પોતાના ઘરેથી ર૮મી ઓગસ્ટે લાપતા બની હતી. ભારે શોધખોળ કર્યા પછી પણ કોઇ પત્તો  નહી લાગતા આખરે ૩૦મીએ તેના પિતા દ્વારા લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

દરમ્યાન તરૃણીના પિતાને માલૂમ પડયું હતુ કે તેની પુત્રી લાલપુર તાલુકાના ટેભડા ગામમા રહેતા ધાનસુર પાલણસી નામના મૂળ સુતાલુસના વતની એવા શખસને ઘેર સંતાયેલી છે. અને સેતાલુસ ગામના જ હાથિયા વનરાજ સુમેત સાથે રજીસ્ટર મેરેજ કરી લીધા છે. જેથી પુત્રીને તેડવા જતા હાથિયા વનરાજ તેમજ મકાન માલીક ધાનસુર પાલણસીએ મોકલવાનો ઇન્કાર કર્યો હતો. પુખ્ત વયની છે અને લગ્ન કરી લીધા છે તેમ જણાવી કોપી બતાવેલ હતી.

તરૃણી પુખ્ત ન હોય માટે પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો આ ઉપરાંત પોતાને ન્યાય મળે તે માટે જામનગર જિલ્લા કલેકટર, પોલીસ વડાને અરજી કરી રજુઆત કરી હતી. પોતાને ન્યાય નહી મળે તો આત્મવિલોપન કરશે તેમ ચેતવણી પણ ઉચ્ચારી હતી.

દરમ્યાન લગ્ન કરેલા દસ્તાવેજોની ચકાસણી કરતા નવો મામલો સામે આવ્યો હતો. હરીપર ગામની એક યુવતી કે જે તેમના બંનેના નામ સરખા હતા તેના કાગળોના આધારે  બોગસ દસ્તાવેજો બનાવી લઇ ગ્રામ પંચાયત કચેરી લાલપુરમા લગ્નની નોંધણી કરાવી લીધી હતી. જેમા બે સાક્ષીઓએ પણ સહી કરી હતી.

તરૃણીના પિતાની ફરીયાદના આધારે લગ્ન કરી લેનાર સંતાલુસ ગામના હાથીયા વનરાજ સુમેત અને તેને મદદગારી કરી પોતાના ઘરમા ગોંધી રાખનાર ધાનસુ પાલણસી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તલાટી કમ મંત્રીએ કોઇપણ પ્રકારના જરૃરી દસ્તાવેજો ચકાસ્યા વિના બંનેના લગ્નની નોંધણી કરી  લીધી હતી  સાક્ષીઓ પણ જાણતા હતા કે કન્યા સગીરા છતા પણ બનાવટી દસ્તાવેજો કર્યા અને લગ્ન નોંધણીમા સહી કરી છે. તેઓ સામે પણ તપાસના ચક્રો ગતિમાન થયા છે.

(12:38 pm IST)