સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th September 2019

કચ્છના કુંદરોડી ગામે મહાકાય સ્ટીલ પ્લાન્ટ સ્થાપી રહેલ ચાઈનીઝ ક્રોમેની કંપની સામે તપાસનો આદેશ

મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે આવેલી ક્રોમેની સ્ટીલ પ્રા. લિ. કંપની વિરુદ્ધ NGT નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સયુંકત તપાસનો આદેશ આપીને તપાસ રિપોર્ટ આગામી તા/૧૫ ઓકટોબર ૨૦૧૯ પહેલાં રજૂ કરવા કરી તાકીદ

ભુજ તા.૦૬:   સ્ટીલ (લોખંડ)ના ઉત્પાદન ક્ષેત્રે સંભવિતપણે દેશના સૌથી મોટી ગણાતી ક્રોમેની કંપનીનું આ યુનિટ હજી બાંધકામ હેઠળ છે, વર્ષે સંભવિત ૭ લાખ ટન લોખંડનું ઉત્પાદન કરનાર આ પ્લાન્ટનું બાંધકામ શરૂ થયું ત્યારથી જ તેની સામે કોઇને કોઈ વિવાદ જોડાયેલો રહ્યો છે. મૂળ ચાઈનીઝ એવી ક્રોમેની કંપની સામે કચ્છના પર્યાવરણવાદી અગ્રણી ગજેન્દ્રસિંહ ભીમજી જાડેજા દ્વારા ૨૦/૭/૧૯ ના રોજે NGT સમક્ષ બાંધકામ દરમ્યાન પર્યાવરણના નિયમોના ભંગ બદલ તેમ જ ભવિષ્યમાં થનાર પર્યાવરણની જોખમી અસર સંદર્ભે રજુઆત કરીને ક્રોમેની સ્ટીલ કંપની દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના પર્યાવરણના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાયો હોવાનો આધારપુરાવાઓ સાથે લેખિત આક્ષેપ કરાયો હતો. આ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ મધ્યે થયેલ સુનાવણીમા ઉચ્ચ અધિકારોની સયુંકત કમિટીને ૧૫ ઑકટોબરના થનાર બીજી સુનાવણી પહેલાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસના અરજદાર ગજેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, મુન્દ્રા તાલુકાની પ્રદૂષણ સહન કરવાની ક્ષમતા કરતાં વધારે ઔધોગિક કંપનીઓ અહીં પ્રદુષણ સર્જે છે. જેની સીધી અસર મુન્દ્રા અને આસપાસના ગામડાઓમાં રહેતા લોકો, પશુ, પક્ષી તેમ જ ખેતી, પશુપાલન, માછીમારી જેવા પરંપરાગત ઉદ્યોગોને થઈ રહી છે. ક્રોમેની જેવી મહાકાય કંપનીને કારણે પર્યાવરણની સમસ્યા વધુ વિકટ બનશે. ઉદ્યોગો પર્યાવરણની જાળવણી કરે તે જરૂરી છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ મધ્યે અરજદાર ગજેન્દ્રસિંહ જાડેજાએ ક્રોમેની સ્ટીલ કંપની દ્વારા પર્યાવરણની મંજૂરી લીધા વગર જ પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દેવાયું હોવાનુ તેમ જ ઈ.એ.આઈ. નો અમલ ન કરાયો હોવાનું રજુઆતમાં જણાવાયું છે. જોકે, મોટો ગંભીર આક્ષેપ એ છે કે, પર્યાવરણની જનસુનાવણી કરી જનઅભિપ્રાય મેળવ્યો નથી. કોલ્ડરોલ સ્ટીલ ઉત્પાદન પ્રક્રિયાથી લોખંડ બનાવાશે જેના કારણે થનાર રાસાયણિક -ક્રિયામાં પિકલિંગ, એનિલિંગ, એસિડ રિજનરેશન પ્લાન્ટ પણ સામેલ છે. જેનો ઈ.એ.આઈ. મેન્યુઅલમાં મેટલર્જીક ઇન્ડસ્ટ્રીઝ તરીકે સમાવેશ કરાયો છે. આ પ્રક્રિયા કારણે ક્રોમેની કંપનીના આ પ્લાન્ટમાં થી જોખમકારક કચરો, આયર્ન કલોરાઇડ, મેટાલિક સોલ્ટ, એસિડિક વોટર તેમ જ હેકઝા વેલેન્ટ ક્રોમિયમ પેદા થશે. જે માનવ વસ્તીના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પેદા કરે છે. જે સંદર્ભે દાદ માંગવામાં આવી છે. વળી, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની મંજૂરી વગર જ ભૂગર્ભ જળનો વપરાશ કરાઈ રહ્યો છે. પ્લાન્ટ ચાલુ થયા બાદ ટ્યુબવેલ દ્વારા વપરાતા પાણી નો વપરાશ વધી જશે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આ તમામ ફરિયાદોને ગંભીરતા પૂર્વક લઈને ક્રોમેની સ્ટીલ કંપની, ગુજરાત પ્રદુષણ બોર્ડ અને રાજ્યના પર્યાવરણ વિભાગને નોટિસ આપી છે. સાથે સાથે જિલ્લા કલેકટર, રાજ્ય પર્યાવરણ વિભાગ, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ ની સયુંકત કમિટીને ક્રોમેની સ્ટીલ પ્લાન્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જો, હોઈ કાયદાકીય ઉલ્લંઘન થયું હોય તો પગલાં ભરવા તાકીદ કરી છે. સયુંકત તપાસ કમિટીએ ૧૫/૧૦ પહેલાં પોતાનો તપાસ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને સોંપી દેવા આદેશ કરાયો છે.

દરમ્યાન ક્રોમેની સ્ટીલ કંપની વિરુદ્ધ મોખા ચોકડી થી કુંદરોડી તેમ જ રતાડીયા જતો રસ્તો બંધ કરવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. તો, સ્થાનિક લોકોને રોજગારી ન અપાતાં ક્રોમેની પ્લાન્ટની સામે આજુબાજુના ગામના યુવાનો દ્વારા આંદોલન અને ધરણા પણ કરાઈ ચુક્યા છે. ક્રોમેની કંપની દ્વારા કુંદરોડી ગામની સરકારી ખરાબાની જમીન ઉપર પણ બાંધકામ કરી દેવાયું હોવાના આક્ષેપો થઈ ચૂક્યા છે. ઉદ્યોગોને પગલે કચ્છમાં સ્થાનિક ગામોમાં રાજકીય લડાઈ ઝઘડા પણ વધી ગયા છે.

(12:11 pm IST)