સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th September 2019

વાંકાનેરમાં ૩, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ર થી ૮ ઇંચ વરસાદ : મચ્‍છુ-૧ ડેમ દોઢ ફૂટે ઓવરફલો

વરસાદના કારણે વાંકાનેર સર્કલ પોલીસ સ્‍ટેશનમાં બહાર પાણીનું તળાવ જોવા મળે છે

વાંકાનેર, તા. ૬ :. કાલે બપોરથી રાત્રે અગીયાર સુધીમાં વાંકાનેર પંથકમાં ભારે વરસાદી મહેર થઈ હતી. પંથકમાં રાત્રે વિજળી ખાબકેલી પણ કોઈ નુકશાનીના અહેવાલો નથી. જ્‍યારે નજીકના રાતીદેવળી ગામે નદીમાં ન્‍હાવા પડેલા દલિત યુવાન (વ્‍હોરા પરિવાર)ના ડૂબી જતા બચાવ કામગીરી બાદ પણ હજુ સુધી તેનો પત્તો લાગ્‍યો નથી.

વાંકાનેરમાં ગઈકાલે સાંજથી શરૂ થયેલ વરસાદમાં ત્રણેક ઈંચ પાણી વરસ્‍યુ હતુ. જ્‍યારે ગ્રામ્‍ય વિસ્‍તારો પૈકી રાણેકપર - વઘાસીયા, પંચાસીયા, વાંકીયા વિસ્‍તારોમાં છ થી આઠ ઈંચ, સિંધાવદરમાં પાંચ ઈંચ, વિડી ભોજપરામાં ૪ ઈંચ, જ્‍યારે તેના નજીકના ગામ પ્રતાપગઢમાં સાત ઇંચ ભારે વરસ્‍યો હતો. પંથકના તિથવા ખમરસર પાંચદુવારકામાં પાંચ ઇંચ લુણસર, ચિત્રાખડા, પલાસ, રાજગઢ, ઢુેવા, સરતાનપરમાં ચાર ઇંચ વરસ્‍યો હતો. મચ્‍છુ-૧ ડેમની સપાટી સતત ઓવરફલો થઇ રહયો છે. ગઇ કાલે દોઢ ફુટ ઓવરફલો વહ્યો છે. જેના કારણે મચ્‍છુ નદીમાં પુર આવેલ. મચ્‍છુ નદીમાં પુરના પ્રવાહને કારણે પતાળીયા નદીના પાણીના પ્રવાહને અવરોધે તેમાં પણ પુરનો પ્રવાહ જોવા મળ્‍યો હતો. વાંકાનેર પંથકમાં ભારે વરસાદ છતા કોઇ જાનહાની કે નુકશાન નથી. જો કે આટલા વધુ પ્રમાણના વરસાદ છતા આજે સવારથી ગરમીનો પારો ઉંચકાયો હોઇ ફરી વધુ વરસાદની સંભાવના બળવતર બની રહી છે.

(11:43 am IST)