સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th July 2018

અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે જોતા કદાચ હું ગમે ત્યારે કોંગ્રેસ પાર્ટી છોડી દઇશ, પરંતુ જિંદગીમાં ક્યારેય ભાજપમાં નહીં જોડાવઃ રાજીનામુ આપીને સાડા ચાર વર્ષ સુધી લોકોના કામ કરતો રહીશઃ પ્રદેશ પ્રમુખને હું જે સવાલો કરીશ તેઓ તેનો જવાબ નહીં આપી શકે અને મને પક્ષમાંથી કાઢવો પડશેઃ ખંભાળીયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમની ઓડિયો ક્લીપ વાયરલ

જામનગરઃ સૌરાષ્ટ્રના વધુ એક કદાવર નેતા કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. તાજેતરમાં ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં તેઓ કોંગ્રેસના કોઈ કાર્યકર સાથે વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં માડમને એવું કહેતા સાંભળવામાં આવે છે કે હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને જોતા તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. સાથે જ તેઓ એવો પણ ઉલ્લેખ કરે છે કે તેઓ ભાજપ પાર્ટી સાથે જોડાશે નહીં. ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ જામનગરના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

ઇન્ટરનેટ પર ફરી રહેલી ઓડિયો ક્લિપમાં એક કાર્યકર જ્યારે વિક્રમ માડમને ફોન કરે છે ત્યારે તેઓ કહે છે કે, "હું ભાજપમાં જવાનો નથી. અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે જોતા કદાચ હું ગમે ત્યારે કોંગ્રેસ પાર્ટી છોડી દઈશ પરંતુ જિંદગીમાં ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં. હું રાજીનામું આપીને સાડા ચાર વર્ષ સુધો લોકોના કામ કરતો રહીશ. હું રાજીનામું નહીં આપું પરંતુ પ્રદેશ પ્રમખને હું જે સવાલો કરીશ તેના તેઓ જવાબ નહીં આપી શકે અને તેમણે મને પક્ષમાંથી કાઢવો પડશે."

ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતાા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, "હજારો કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જતા હોય, અને જશે. વિક્રમ માડમના ખભે ક્યારેય કેસરિયા ખેસ નહીં હોય. અમારે અમારા કાર્યકરોને સાંભળવા પડે છે, તેમને જવાબ આપવા પડે છે. નેતાઓ માના પેટમાંથી પેદા નથી થતાં પરંતુ કાર્યકરો તેમને નેતા બનાવે છે. ઘણા નેતાઓ વેચાણા છે અને ઘણા નહીં વેચાય. મારી નારાજગી કાર્યકરોને લઈને મારા પ્રમુખ સાથે છે. મેં તેમની સાથે વાત કરી છે અને હજી પણ વાત કરીશ. પક્ષ ફોરમમાં પ્રશ્નનોના જવાબ મળશે ત્યાં સુધી અમે ચર્ચા કરીશું. ભગતસિંહ મારા આદર્શ છે. તેઓ દેશ માટે શહીદ થઈ ગયા હતા તો હું કોંગ્રેસના સાચા કાર્યકરોના પ્રશ્નો માટે પ્રદેશ પ્રમુખ સામે કેમ ન લડી શકું. ચર્ચાથી નિરાકણ આવશે, પરંતુ જો યોગ્ય નિકાલ નહીં આવે તો પાર્ટી છોડીને ઘરે બેસી જઈશ."

કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ત્યારે વિક્રમ માડમે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડશે. એ વખતે પણ તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપમાં નહીં જોડાઈ. તેમની પ્રતિક્રિયા પરથી જ માલુમ પડતું હતું કે તેઓ પક્ષથી નારજ છે. તેઓ માની રહ્યા છે કે પાર્ટીમાં તેમની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

હાલ અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યકરોની બેઠક ચાલી રહી છે ત્યારે વિક્રમ માડમ પણ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને મળીને પોતાનો બળાપો કાઢ્યો હતો. તેમણે રજુઆત કરી હતી કે કોંગ્રેસમાં કાર્યકરોને કોઈ સ્થાન નથી મળતું પરંતુ બહારના આવતા નેતાઓને પદ અને માન મળે છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રભારીને એવું સ્પષ્ટ કહ્યું હતું કે જો આવું જ ચાલશે તો ભવિષ્યમાં અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને જતા રહેશે.

(6:26 pm IST)