સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th July 2018

ગ્રીનસીટીનો વર્લ્ડ રેકોર્ડ

વજ્રા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ : ભાવનગરના દેવેન શેઠને એનાયત

ભાવનગર તા. ૬ : છેલ્લા ૭ વર્ષથી ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા કટીબધ્ધ એવી ગ્રીનસીટીને શહેરમાં ૭૦૦૦ કરતા વધુ વૃક્ષોનુ ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ અને તેની યોગ્ય માવજત લઇને ઉછેર કરવા માટે વજ્રા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ હતુ. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર અશોકભાઇ બારૈયા, શાસક પક્ષના નેતા પરેશભાઇ પંડ્યા હાજર રહ્યા હતા. યુવરાજસિંહ ગોહિલએ જણાવ્યુ હતુ કે દેવેનભાઇ શેઠ પર્યાવરણ માટે એટલુ કાર્ય કરી રહ્યા છે. કે જાણે એમેન વૃક્ષો વાવવાની ભુખ હોય. પોતાનો ધંધો છોડીને પણ તેમણે આ પ્રવૃતિ માટે ભેખ લીધો છે.  ડેપ્યુટી મેયર  અશોક ભાઇ બારૈયા  તથા શાસક પક્ષના નેતા પરેશભાઇ પંડ્યાએ જણાવ્યુ કે ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા દેવેનભાઇ શેઠએ જે તન-મન અને ધનથી કાર્ય કર્યુ છે. એ કાબીલે તારીફ છે. ભાગ્યે જ કોઇ વ્યકિત આવુ કપરું કામ કરી શકે . આ તબક્કે ગ્રીનસીટીના દાતાશ્રી નિશીથભાઇ મહેથાએ દેવેનભાઇની પર્યાવરણીય પ્રવૃતિની સરાહના કરતા જણાવ્યુ કે હતુ કે દેવેનભાઇનુ કાર્ય સમાજ માટે દાખલારૂપ છે. છેલ્લા કેટલાક સાત વર્ષથી દેવેનભાઇએ આ કાર્ય માટે પોતાનુ લોહી રેડી દીધુ છે. વૃક્ષો માટેનો દેવેનભાઇનો પ્રેમ અકલ્પનીય છે. ત્યારબાદ વજ્રા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ભગીરથ ગોસ્વામીએ દેવેનભાઇ શેઠને તેમના કાર્ય બદલ એવોર્ડ અર્પણ કરર્યો હતો. એવોર્ડ મેળવવા બદલ ગૌરવ  અનુભવતા શ્રી દેવેનભાઇ શેઠ એ જણાવ્યુ હતુ કે મારી મંઝીલ હજુ દુર છે. હજુ આગામી વર્ષોમાં ઘણુ કરવાનુ છે. અને જ્યારે ભાવનગર શહેરને બેંગ્લોર સમકક્ષ ગ્રીનસીટી બનાવી દઇશ ત્યારે જ હુ મારી જાતને એવોર્ડને લાયક ગણી શકીશ.  આ સિધ્ધી મેળવવામાં અચ્યુતભાઇ મહેતા , શહેરના અનેક ઉદાર દીલ દાતાશ્રીઓ , પ્રીન્ટ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયા ઉપરાંત કોર્પોરેશનનો પણ એટલો જ ફાળો રહ્યો છે. દેવેનભાઇ શેઠના પિતાશ્રી રસીકભાઇ શેઠ, માતુશ્રી માલતીબેન શેઠ, કાકા કીશનભાઇ શેઠ તથા તેમના રંજનફઇ તથા ભારતી ફઇના સ્મરણાર્થે બહેરા મુંગા શાળાના  બાળકો દ્વારા વૃક્ષારોપણ  કરવામાં આવ્યુ હતુ. દેવેનભાઇના ભાભી વર્ષબેને આજે તેમના જન્મદીવસે વૃક્ષારોપણ કર્યુ હતુ. આ ઉપરાંત મુખ્ય મહેમાનો તથા ગ્રીનસીટીના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરાયુ હતુ. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ રંગોલી પાર્કના અનીલભાઇ , પીએન.આર.ના અશ્વીનભાઇ, સંતોષભાઇ કામદાર , એકસેલ ઈન્ડસ્ટ્રીઝના સૈનીજી, તાકરભાઇ શાહ, ડો. તેજસ દોશી, બકુલભાઇ ચતુર્વેદી, શેઠ બ્રધર્સના કમલેશભાઇ, તેજસભાઇ, ગૌરવભાઇ, ડિમ્પલ આઈસ્ક્રીમના તુષારભાઇ, અલંંગના મુન્ના શેઠ , માઇક્રોસાઇનના નિશીથભાઇ મહેતા, સરલાબેન સોપારીયા તથા ગ્રીનસીટીના અચ્યુતભાઇ, કીલોનભાઇ તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ એરપોર્ટ પાસે વજ્ર વિહાર સોસાયટીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.

(11:34 am IST)