સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th June 2019

પશુપાલકો સામે ચેતવણીરૂપ બનાવ

ભાવનગરમાં ગાયે વૃધ્ધનો ભોગ લેતા ગાય માલીક સામે ગુન્હો નોંધાયો

પશુપાલક મફાભાઇ ભરવાડ સામે સાપરાધ મનુષ્ય વધની કલમ લગાડાઇ

ભાવનગર, તા.૬:  થોડા દિવસ પહેલાં એક ગાયે વૃદ્ઘ ગોપીનાથ તિવારીને અડફેટમાં લેતાં તેમનું મોત નીપજયું હતું, જે મામલે વટવા જીઆઇડીસી પોલીસે રસ્તા પર ગાયને છૂટી મૂકનાર પશુપાલક મફાભાઇ ભરવાડ સામે આઇપીસી ૩૦૪(એ) મુજબ સાપરાધ મનુષ્ય વધની કલમ લગાડીને ગુનો નોંધ્યો છે.

વટવા જીઆઇડીસી પોલીસે ગોપીનાથ તિવારીને જે ગાયે શિંગડું મારીને તેમનું મોત નીપજાવ્યું હતું ફરિયાદના આધાર તપાસ કરતાં પશુપાલક વિનોબા ભાવેનગરમાં રહેતા મફાભાઇ ભરવાડની તે ગાય હોવાનું જાણવા મળતાં તેની સામે જાહેર રોડ પર બેદરકારી રાખીને છૂટી ગાય મૂકવા બદલ પોલીસે આઇપીસી ૩૦૪ (એ) મુજબ સાપરાધ મનુષ્ય વધની કલમનો ગુનો નોંધ્યો છે.

ગોપીનાથ રામપ્યારે તિવારી (ઉં.વ.૬૦)ને ૧૦ મેના રોજ રાતના ૯.૩૦ વાગ્યે બસ સ્ટેન્ડ પાસે ગાયે શિંગડું મારી ઉછાળીને તેમની છાતી પર પગ મૂકી દીધો હતો. ગોપીનાથને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ તેમનું મૃત્યુ નીપજયું હતું. દીકરી અને જમાઈ વતનમાં જતાં હોવાથી ગોપીનાથ તિવારી રાત્રે પુત્ર સંતોષ, પુત્રવધૂ તુલસી, બે પૌત્ર સાથે તેમને મૂકવા માટે બસ સ્ટેન્ડ ગયા હતા. શેરડીનો રસ પીવા માટે પરિવારજનો ઊભાં હતાં તે દરમિયાન નાનો પુત્ર એકદમ હાથ છોડાવીને દોડ્યો હતો. દોડતા પૌત્રને બચાવવા માટે ગોપીનાથ તેના તરફ દોડ્યા તે સમયે ત્યાં બેઠેલી ગાય ઊભી થઈ હતી. ગાયે અચાનક ગોપીનાથને પાછળથી શિંગડું મારીને નીચે પટકયા અને તેમના પર પગ મૂકયો હતો. પુત્ર પિતાને બચાવવા ગયો તો ગાયે તેને પણ ભેટું માર્યું હતું. આ ઘટનામાં ગંભીર ઈજા થતાં તેઓ મોતને ભેટ્યા હતા.

(12:01 pm IST)