સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

વિસાવદરના ઇશ્વરીયામાં સસ્તા સુકામેવાની લાલચ આપીને છેતરપીંડી કરનારા ૩ ઝડપાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬: વિસાવદરમા સસ્તા ભાવે સૂકોમેવો ખરીદવાની લાયમાં વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામના ફરિયાદી વજુભાઈ ભગવાનભાઇ સુખડીયાએ સરસઈ ગામના રજની મુકેશ વીરડીયા, મુકેશ કુરજી વીરડીયા તથા ધનજી કુરજી વીરડીયા એમ ત્રણ જણા વિરુદ્ઘ વિસાવદર પોલીસ મા ફરિયાદ કરતા વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ.

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માતબર રકમની છેતરપિંડીના ગુન્હાના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા કરવામાં આવેલ સૂચના આધારે, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઇ ડામોર તથા સ્ટાફના હે.કો. પૂનાભાઈ, પો.કો. અવિનાશભાઈ, સહિતની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧)રજનીકભાઈ મુકેશભાઈ વીરડીયા જાતે પટેલ ઉવ. ૨૩, (૨) મુકેશભાઈ કુરજીભાઈ વીરડીયા જાતે પટેલ ઉવ. ૪૮, (૩) ધનજીભાઈ કુરજીભાઈ વીરડીયા જાતે પટેલ ઉવ. ૫૩ રહે. બધા સરસઈ ગામ તા. વિસાવદર જી. જૂનાગઢની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઇ ડામોર તથા સ્ટાફની ટીમ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, પકડાએલ આરોપીઓ પૈકી આરોપી રજનીકભાઈ વિરડીયા મુખ્ય સૂત્રધાર છે અને ભૂતકાળમાં પણ છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ છે, જયારે અન્ય બે આરોપીઓ તેના પિતા અને કાકા હોઈ, તેઓ દ્વારા મદદગારી કરવામાં આવેલ છે. ઉપરોકત આરોપીઓએ ફરિયાદી વજુભાઈ ને કહેલ કે, અમો સૂકો મેવો તેમજ ટાયર નો ધંધો કરીયે છીએ અને તમારે પણ કોઈ વસ્તુ જોઇતી હોયતો કહેજો. બાદ મા આરોપી ધનજીભાઈ વિસાવદર મા હીરાનું કારખાનું ધરાવતા હોય અને તે રીતે પણ ફરિયાદી વજુભાઈ ને ઓળખાણ હોય તેથી વજુભાઈ વિશ્વાસ મા આવી ગયેલ અને માર્કેટ રેટ થી નીચા ભાવે તમને અમો માલ આપીશું તેવી લાલચ આપી, ફરિયાદી વજુભાઈ એ આરોપી ને સગાવાલા તેમજ મિત્ર સર્કલ માથી પેસા ઉછીના લઈને રૂ. ૩૫,૭૦,૦૦૦/- જેવી માતબર રકમ સૂકોમેવો અને ટાયર લેવા માટે આપેલ. પરંતુ ફરિયાદી વજુભાઈએ રૂપિયા આપેલ ત્યાર બાદ તુરંત ૨૦૨૦ મા લોકડાઉન આવી ગયેલ એટલે આરોપીઓ દ્વારા ફરિયાદી વજુભાઈને જણાવેલ કે, હમણાં ટ્રાન્સપોર્ટ બંધ હોય એટલે ખુલશે ત્યારે તમને માલ મળીજશે, તેવી લાલચ આપેલ. પરંતુ લોકડાઉન ખુલી ગયા બાદ પણ આરોપીઓ દ્વારા કોઈ પણ જાતનો માલ સૂકો મેવો કે ટાયર બે માંથી એકપણ ચીજ આપેલ નહિ. ત્યારે વજુભાઈ દ્વારા પેસાની ઉદ્યરાણી કરતા, આરોપી રજનીકે વજુભાઈ ને બે ચેક આપેલ. તેમાં એક ચેક રૂ. ૧૮,૩૦,૦૦૦/- નો અને બીજો ચેક રૂ. ૧૭,૪૦,૦૦૦/- નો એમ બે ચેક આપેલ અને આશ્વાસન આપેલ કે તમારો સૂકોમેવો કે ટાયર જો તમને ના મલે તો, આ ચેક અમારા એકાઉન્ટમા ભરીને તમારી રકમ લઈ લેજો. એટલે ફરિયાદી વજુભાઈ દ્વારા થોડો સમય રાહ જોઈ, પરંતુ માલ કે પેસા પરત નહિ મળતા, વજુભાઈ દ્વારા બંને ચેક બેન્ક મા ભરતા, ચેક રિટર્ન થયેલ હતા. ત્યારબાદ વજુભાઈ દ્વારા પોતાના બાકી પેસાની ઉદ્યરાણી કરતા, આરોપી ધનજીભાઈ તેમજ મુકેશભાઈ અને રજનીકભાઈ દ્વારા રૂપિયાની ઉદ્યરાણી કરીછે તો, જાનથી મારી નાંખીશુ, તેવી ધમકી આપેલ. ત્યારે વજુભાઈને ખ્યાલ આવ્યો કે, પોતે છેતર પિંડીનો ભોગ બન્યા છે. જેથી તેઓ દ્વારા વિસાવદર પોલીસ મા ફરિયાદ કરેલ હતી.

વિસાવદર પોલીસ દ્વારા આરોપીઓ (૧)રજનીક મુકેશ વીરડીયા (૨)મુકેશ કુરજી વીરડીયા (૩)ધનજી કુરજી વીરડીયા, ત્રણેય આરોપીઓને વિસાવદર કોર્ટમા પોલીસ રિમાન્ડની માંગ સાથે રજુ કરતા, વિસાવદર કોર્ટ દ્વારા આરોપીઓના એક દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર્રં કરવામાં આવેલ છે. આ ચીટર ગેંગ દ્વારા વધુ લોકોની છેતરપિંડી કર્યાની શકયતાઓ હોઈ, વિસાવદર પોલીસ દ્વારા આવી ચીટર ગેંગ ના ભોગ બનનારએ વિસાવદર પોલીસનો આધાર પુરાવા સાથે સંપર્ક કરવા પોલીસની એક યાદીમાં જણાવેલ છે. આ કેસની વધુ તપાસ વિસાવદર ના પી આઈ એન આર પટેલ તેમજ તેમની ટિમ ચલાવી રહેલ છે.

(1:15 pm IST)