સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

સરકારનો આ તે કેવો વહીવટ? કચ્છના સિવિલ સર્જનની ૧૫ દિવસમાં ત્રણ વાર બદલી થઈ, ન થઈ, રદ્દ થઈ

તંત્ર વચ્ચે તાલમેલના અભાવે કચ્છથી મોરબી ફરી ભુજ કોવિડ હોસ્પિટલ પછી એપેડેમિક એક્ટની ચીમકી સાથે અમદાવાદ અને ફરી રદ્દ કરી ભુજમાં જ મુકાયા

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) રાજ્ય સરકારના શ્રેષ્ઠ વહીવટની વાતો વચ્ચે કચ્છના સિવિલ સર્જનની બદલીના માત્ર ૧૫ દિ'માં જ ત્રણ ત્રણ ઓર્ડરો એ બતાવી દે છે કે, વહીવટમાં તાલમેલનો અભાવ છે. કોરોના દરમ્યાન સતત દોડતાં રાજ્યના આરોગ્યતંત્ર અને કચ્છનું વહીવટીતંત્ર થાકીને હાંફી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. કચ્છના સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચની હમણાં ૧૯/૪ ના મોરબી બદલી કરાઈ હતી. તે વચ્ચે કચ્છના પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાએ ભુજની સમરસ કોવિડ હોસ્ટેલ અને ગડા કોવિડ હોસ્પિટલમાં પ્રતિ નિયુક્તિ કરી આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જ્યારે મોરબી મધ્યે ડો. બૂચ હાજર ન થયા હોવાની જાણ આરોગ્ય વિભાગને કરાઈ હતી. દરમ્યાન આરોગ્ય વિભાગે ડો. બુચને  તાત્કાલિક અમદાવાદ જીએમડીસી ધન્વન્તરિ હોસ્પિટલમાં તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર કરી એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જોકે, આ આદેશ બાદ ફરી કચ્છના પ્રભારી સચિવ જે.પી. ગુપ્તા વતી વહીવટી તંત્રએ ડો. બૂચ ભુજની બે કોવિડ હોસ્પિટલની જવાબદારી સંભાળતા હોવાની સ્પષ્ટતા કરતાં અંતે રાજ્યના આરોગ્ય વિભાગે પોતાનો નવો ઓર્ડર રદ્દ કર્યો હતો.

(11:15 am IST)