સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

હવે આર્થિક બોજાથી કંટાળ્યા છીએ, ભુજ અને ગાંધીધામના વ્યાપારીઓનો બળાપો

ધંધા બંધ છે, પણ સરકારી ટેકસ, બેંકોનું વ્યાજ, દુકાનોનું ભાડું, માણસોનો પગાર, સંતાનોની સ્કુલ ફી, વધતી જતી મોંઘવારી વચ્ચે ઘર ખર્ચનો બોજ વેઠવો ભારે પડે છે

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોરોનાએ શહેરોની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં બરાબર પગપેસારો કરી કહેર મચાવી દીધો છે. કોરોનાની બીજી લહેરે લોકોમાં રાડ બોલાવી દીધી છે. અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ કોરોનાના દર્દીઓની સારવાર મામલે ઊંધા માથે છે. બીજી લહેર જીવલેણ છે. સંક્રમણ વધ્યું છે એ હકીકત વચ્ચે અત્યારે સરકાર ભીંસમાં છે. મીની લોકડાઉન સાથે કોરોના અંકુશમાં આવે તેવા પ્રયત્નો દરમ્યાન દર્દીઓ વધતાં હવે સારવારમાં રહેલી ખામીઓ પૂરી કરવા સરકાર દોડતી થઈ છે. વધુ સંક્રમણ અટકાવવા મોડે મોડે લેવાયેલા પગલાં પછી મીની લોકડાઉનની મુદ્દત વધારવા સહિતના પ્રશ્ને વ્યપારીઓમાં ગણગણાટ છે. આવશ્યક ચીજ વસ્તુઓ ઉપરાંત હવે અન્ય વ્યાપારીઓને દુકાન ખોલવા મંજૂરી મળે તેવી રજૂઆત ભુજ તેમ જ ગાંધીધામના વ્યાપારીઓ કરી રહ્યા છે. તમામ દુકાનદારો તેમ જ લોકોની હેરફેર માટે એક મર્યાદિત સમય નક્કી કરી છૂટછાટ આપવા જણાવાયું છે. સતત બીજા વર્ષે મધ્યમ વર્ગીય વ્યાપારીઓ ભારે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. દુકાન ભાડા, સરકારી ટેકસ, લોન ઉપરનું વ્યાજ, સંતાનોની સ્કુલ ફી, વધતી જતી મોંઘવારી વચ્ચે ઘર ખર્ચમાં વધારો,  અને દુકાનના કર્મચારીઓનો પગાર સતત ચાલુ હોઈ સખત નાણા ભીડ સાથે દેવું વધી રહ્યું છે.

(11:14 am IST)