સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th March 2023

પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા ત્રણ દિ'ના રિમાન્‍ડ ઉપર

કચ્‍છના કલેકટરની સૂચનાના આધારે ગાંધીધામ મામલતદારની સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ : કચ્‍છના પૂર્વ આરડીસી ફ્રાન્‍સિસ સુવેરા અને : ટાઉન પ્‍લાનર નટુભાઇ દેસાઇ સહિત ત્રણ અધિકારીઓ સામે આરોપ : ગાંધીધામના ચુડા ગામે લાગુની સરકારી જમીન ઓછા ભાવે આપ્‍યાનો આરોપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : રાજકોટ, કચ્‍છના પૂર્વ કલેકટર અને જામનગરના મ્‍યુનિસિપલ કમિશ્નર રહી ચૂકેલા પ્રદીપ શર્માની વધુ એક જમીન કેસ સંદર્ભે સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરી ભુજ કોર્ટ સમક્ષ રજૂ કરાતાં તેમના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરાયા છે. કચ્‍છના વર્તમાન કલેકટર દિલીપ રાણાની સૂચનાથી ગાંધીધામના મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ ૧૮ વર્ષ પહેલાં કચ્‍છના કલેકટર તરીકે કાર્યરત પ્રદીપ શર્મા, આરડીસી ફ્રાન્‍સિસ સુવેરા અને ટાઉન પ્‍લાનર નટુભાઈ દેસાઈ સામે ગાંધીધામ તા.ચુડા ગામે જમીન પ્રકરણ સંદર્ભે ગેરરીતિની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગાંધીનગરથી પ્રદીપ શર્માને ભુજ બોર્ડર રેન્‍જ કચેરીએ લાવી વધુ પૂછપરછ કરી ધરપકડ કરી હતી. તેમને ગઇકાલે રવિવારે ભુજ કોર્ટમાં રજુ કરાઈ સાત દિવસના રિમાન્‍ડની માંગણી કરાઈ હતી. કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરાયા હતા. સરકાર તરફે મુખ્‍ય સરકારી વકીલ કલ્‍પેશ ગોસ્‍વામી, અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા, મદદનીશ સરકારી વકીલ આર.આર. પ્રજાપતિ હાજર રહ્યા હતા. આ કેસના અન્‍ય બે સરકારી અધિકારીઓ તત્‍કાલીન આરડીસી ફ્રાન્‍સિસ સુવેરા અને ટાઉન પ્‍લાનર નટુભાઈ દેસાઈની ધરપકડ કરવાની હજી બાકી છે. ગાંધીધામના ચુડા ગામના જમીન ધારક કીર્તિ ચંદુલાલ ઠક્કરની લાગૂની ૧ એકર ૮ ગુઠા દબાણવાળી સરકારી જમીન નિયમિત કરી આપવા ૮/૧૧/૨૦૦૪ ના અરજી કરાઈ હતી. જે સંદર્ભે મામલતદાર ગાંધીધામ દ્વારા જમીનની બજાર કિંમત અને જંત્રી મળી એક લાખ રૂ. પ્રતિ એકર આકારણી કરી અંજાર ડેપ્‍યુટી કલેકટરને અરજી મંજૂરી માટે મોકલી હતી. અંજાર ડેપ્‍યુટી કલેક્‍ટરે લોકેશન અને બજાર કિંમત એકર ૪ લાખ અંકારી અને તેના અઢી ગણા ભાવ વસૂલી દબાણ નિયમિત કરવા કલેકટરને ફાઈલ મોકલી હતી. જોકે, ભુજ કલેકટર ઓફિસમાં આરડીસી એ આ જમીનની કિંમત નક્કી કરવા ટાઉન પ્‍લાનર ને ફાઈલ મોકલી હતી. જેમણે પ્રતિ ચો.મી. ૧૯ રૂ. કિંમત અંકારી ૧ એકર ૮ ગુંઠા ના ૬૮૮૦ ચો.મી. પ્રમાણે જમીનની કિંમત ૧,૩૦,૭૦૦ ગણી એના અઢી ગણા એટલે કે ૩ લાખ ૬૮૦૦ કિંમત ગણી દબાણ નિયમિત કરી આપ્‍યું હતું. આમ આ કિસ્‍સામાં ગેરરીતિ કરી  હોવાનું જણાવી ફરિયાદ કરાઈ હતી. જોકે, આ કિસ્‍સામાં જમીન ટેકનિકલ દબાણ ની વ્‍યાખ્‍યામાં ન આવતી હોવા છતાંયે દબાણ ગણી સરકારી પરિપત્ર નું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરાઈ હતી. આ જમીનનો જૂનો સરવે નંબર ૮૧ અને ક્ષેત્રફળ ૪-૦૪ હતું. રીસરવે બાદ નવો નંબર ૩૦/૨ અને ક્ષેત્રફળ ૨-૧૬ થયું જેની નોંધ ૧૯૭૦ માં કરાઈ. આ જમીન કીર્તિ ઠક્કરે ૧૯૯૮ માં ખરીદી હતી. ક્ષેત્રફળ અને રિસરવે બાદ આ જમીન ટેકનિકલ દબાણ માં ન આવતી હોવા છતાંયે એને દબાણ ગણી સરકારી પરિપત્ર ની ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરાઈ હતી.

(12:31 pm IST)