સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th March 2023

જુનાગઢના વિજય ચાવડાની ધોરાજીના છત્રાસા પાસે હત્‍યા

બાઇક સાથે હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી : મૃતક વિજયને બનાવની રાત્રીએ શકદાર દાના કરમટાએ ફોન કરી બોલાવ્‍યો હોય દાનો તથા તેના મિત્રોએ પતાવી દીધાની પરિવારજનોએ શંકા વ્‍યકત કરી : પાટણવાવ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૬: ધોરાજીના છત્રાસા ગામ પાસે જુનાગઢના યુવકની હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. પરિવારજનોએ રબારી શખ્‍સ તથા  તેના મિત્રો સામે શંકા વ્‍યકત કરતા પાટણવાવ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ ગ્રોફેડ મીલ સૌભાગ્‍ય વાડી, કારા દેવરાજના ડેલા પાસે રહેતા વિજય મોહનભાઇ ચાવડા (ઉ.વ.ર૧)ની ધોરાજીના છત્રાસા ગામથી બંટીયા ગામ તરફ જતા ડામર રોડ પર હત્‍યા કરાયેલ  હાલતમાં લાશ મળી આવતા પાટણવાવ પોલીસે મૃતક યુવકના જુનાગઢ સ્‍થિત પરિવારજનોને જાણ કરી હતી. પાટણવાવ પોલીસે મૃતકની લાશને પ્રથમ મોટીમારડ બાદ ફોરેન્‍સીક પીએમ માટે રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડી હતી.

આ બનાવ અંગે મૃતક વિજયના પિતા મનસુખભાઇ ચાવડાએ શકદાર આરોપી દાના અરજણભાઇ કરમટા તથા તેના મિત્રો સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ગત તા. ૪ના રોજ ફરીયાદીનો પુત્ર વિજય જુનાગઢથી નિકળ્‍યા બાદ તેનો મોબાઇલ બંધ આવતો હતો અને બીજે દિ' સવારે પાટણવાવ પોલીસનો ફોન આવેલ કે ે વિજય અને તેનું બાઇક છત્રાસા ગામ પાસે પડેલ છે. ત્‍યાં જઇ તપાસ કરતા વિજય મૃત હાલતમાં પડેલ હતો અને તેના શરીરમાં ગળાના ભાગે, જમણા ખંભે, પેટના ભાગે, છાતીના ભાગે અને કાંડાના ભાગે ઇજાના નિશાનો જોવા મળતા તેની કોઇએ હત્‍યા કર્યાનું જાહેર થયું હતું.

દરમિયાન મૃતક વિજયની પત્‍ની રિધ્‍ધીને બનાવની રાત્રીએ વિજય કયાં ગયો હતો તે અંગે પુછપરછ કરતા તેણે જણાવેલ કે, ફરીયાદીના મોબાઇલમાં દાનાનો ફોન આવ્‍યો હતો અને વિજય અંગે પુછપરછ કરી હતી. ત્‍યાર બાદ  રિધ્‍ધીએ તેના સસરાના ફોનમાંથી વિજયના વોટસએપ પર દાનાનો ફોન આવ્‍યો છે, તેને કંઇક કામ છે તેવો વોઇસ મેસેજ કરેલ હતો. મૃતક દાના અરજણભાઇ કરમટા (રબારી)ની સાથે ઉઠકબેઠક હોય અને દાનાના કોઇ મિત્રનો દારૂ પકડાયેલ હોય જે મારા પુત્ર વિજયે પકડાવ્‍યાની શંકા રાખી દાના તથા તેના મિત્રોએ વિજયને બોથડ પદાર્થથી માર મારી ગળેટુંપો આપી મોત નિપજાવ્‍યાની શંકા છે.

 આ ફરીયાદ અન્‍વયે પાટણવાવ પોલીસે શકદાર દાના કરમટા સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ વી.કે.કોઠીયા ચલાવી રહયા છે.

(1:01 pm IST)