સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th March 2023

વિંછીયા પંથકમાં ગાંજાનું વાવેતર કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૪: વિછીંયા તાલુકાના શનાળી ગામે આવેલ ૪ વિઘા ખેતીની જમીનમાં - માદક પદાર્થ (ગાંજા)ના વાવેતરના આરોપીના જામીન સેશન્‍સ કોર્ટ રદ કર્યા હતા.

સદર ગુન્‍હાની હકીકત એવી છે કે રાજકોટ જિલ્લાના વિછીંયા તાલુકાના શનાળી ગામે રહેતા જયંતીભાઇ રાયસંગભાઇ વનાળીયાએ પોતાની માલીકીની ખેતીની ૪ વિઘા જમીન વેરાવળ (ભડલી) ગામે આલેસીયા સીમમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ - માદક પદાર્થ (ગાંજા)ના છોડનું વાવેતર કરેલનું વિછીયા પોલીસને ખાનગી રીતે બાતમી મળતા ગત તા.૧૬-૧૧-૨૦૨૨ના રોજ અટકાયત કરેલી અને આરોપીને વિગતવાર પુછપરછ કરતા વિછીયા પોલીસને જાણવા મળેલ કે કુલ સાડા ૬ વિઘા પૈકી ૪ વિઘામાં માદક પદાર્થ (ગાંજા)ના છોડનું વાવેતર કરેલ હતું. અને વિછીયા પોલીસે સદરહું તપાસ દરમિયાન એફ.એસ.એલ અધિકારીની હાજરીમાં આ છોડનું પરીક્ષણ કરી આ વનસ્‍પતિ જન્‍ય માદક પદાર્થ હોય જેના કુલ ૭૨ છોડ જેનો કુલ વજન ૩૭૫ કિલો ૫૦૦ ગ્રામની કુલ કિંમત ગણી મુદામાલ કબજે કરેલ. અને સદર આરોપીને રાજકોટના સ્‍પે.એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ રજુ કરતા નામદાર સ્‍પે.કોર્ટે જેલ હવાલે કરેલો. અને ગત તા.૯-૧-૨૦૨૩ના રોજ વિછીંયા પોલીસ સ્‍ટેશન દ્વારા ચાર્જશીટ દાખલ કરેલ હતું.

ત્‍યારબાદ આરોપી જયંતિભાઇ રાયસંગભાઇ વનાળીયાએ રાજકોટના સ્‍પે.એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ રેગ્‍યુલર જામીન અરજી કરેલી જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલાની દલીલ કરેલ હતી જેમાં આરોપીએ જાણી જોઇને ભારત દેશના યુવાધનને બરબાદ કરવાના મલીન ઇરાદા સાથે માદક પદાર્થ (ગાંજા)નું ખુબ મોટા પ્રમાણમાં વાવેતર કરેલ અને કોમર્શીયલ જથ્‍થાની વ્‍યાખ્‍યામાં આવતા હોય તેમજ હાલમાં ગુજરાત સરકાર નશાબંધી માટે મોટી પ્રસિધ્‍ધી કરે છે અને જેના સગીર અને કુમળી વયના યુવાધનને નશેડી બનાવવાના ઇરાદા સાથે ગેરકાયદેસર રીતે ખેતીની જમીનમાં માદક પદાર્થ (ગાંજા)નું વાવેતર કરેલ હોય આરોપીને રેગ્‍યુલર જામીનમુકત નહી કરવા નામદાર સ્‍પે. એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ દલીલ કરેલ હતી. જે ધ્‍યાને લઇ નામદાર સ્‍પે. એન.ડી.પી.એસ. કોર્ટે આરોપીના ચાર્જશીટ પછીના રેગ્‍યુલર જામીન અરજી નામંજુર કરેલ હતી. આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી રક્ષિત વી. કલોલા રોકાયેલા હતા.

(11:54 am IST)