સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

જૂનાગઢ મહાશિવરાત્રી મેળા મુદ્દે સાંજ સુધીમાં નિર્ણય

ધ્વજારોહણ પહેલા સારો નિર્ણય આવશેઃ પૂ. ભારતીબાપુ : સંત અને સરકારના વચને મીટીંગ કેન્સલ કરીઃ પૂ. નરેન્દ્રબાપુ : કાશીથી સંતોનું આગમન

ઉપરોકત તસ્વીરમાં ભવનાથ મહાદેવની પૂજા-અર્ચના કરતા પૂ. ભારતીબાપુ, જયશ્રીકાનંદગીરીજી, હરીહરાનંદભારતીજી, ઋષિભારતીબાપુ, મહાદેવભારતીબાપુ, પૂ. નરેન્દ્રબાપુ, દલપતગીરીબાપુ તેમજ મીડીયાકર્મીઓ સાથે વાતચીત કરતા પૂ. ભારતીબાપુ અને નરેન્દ્રબાપુ નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૬ :. ગરવા ગિરનારની ગોદમાં પ્રતિવર્ષ યોજાતો મહાશિવરાત્રીનો મેળો કોરોનાના કારણે રદ કરવાની સરકારે જાહેરાત કર્યા બાદ સાધુ-સંતો દ્વારા કુંભને હરિદ્વારમાં જે રીતે મંજુરી મળી છે તેમ વચલો માર્ગ કાઢવા લાગણી વ્યકત કરતા આ નિર્ણયમાં પુનઃ સમિક્ષા કરે તેવો સંતોએ નિર્દેશ આપ્યો છે.

મીડીયા સાથેની વાતચીતમાં મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુએ જણાવ્યુ હતુ કે સત્તા પર બેઠેલા સત્તાધીશો તેની રીતે અને સાધુ-સંતો તેની રીતે સહીયારો પ્રયાસ હાથ ધરશે અને આજ સાંજ સુધીમાં કાશીથી અખાડાના વરિષ્ઠ સંતોે પણ આવી રહ્યા છે ત્યાં પેશ્વાઈ ચાલી રહી છે અને દરેક અખાડાના વરિષ્ઠ સંતો પણ ઈચ્છતા હોય કે મહાશિવરાત્રી મેળો યોજાય અને પ્રજાજનો તેનો લાભ લઈ શકે ત્યારે સરકારશ્રી પણ હકારાત્મક અભિગમ સાથે સાંજ સુધીમાં સારો નિર્ણય જાહેર કરશે તેવો આશાવાદ વ્યકત કરેલ.

પૂ. ભારતીબાપુએ વધુમાં જણાવેલ કે ભવનાથનો મેળો યોજાય સમાજ અને સરકારની સાથે રહી સાધુ-સંતો દ્વારા નિર્ણય આજ સુધીમાં લેવામાં આવશે અને આજે મળનારી સાધુ-સંતો અને વેપારીઓને બેઠક રદ કરવામાં આવી હોવાનું જણાવેલ આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંત પૂ. નરેન્દ્રબાપુએ જણાવ્યુ હતું કે સંતના વચને સરકારના વચને મીટીંગ કેન્સલ કરવામાં આવી છે. સાંજ સુધીમાં પ્રશાસન દ્વારા સારો નિર્ણય આવશે તેવો મને વિશ્વાસ છે અને મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ અને પૂ. ઈન્દ્રભારતીબાપુ બધા સંતોએ ખાત્રી આપતા આ મીટીંગ કેન્સલ કરવામાં આવી છે.

હવે મેળાનું આયોજન અશકયઃ સાધુ-સંતોમાં અંદરોઅંદર વિવાદ

રાજકોટઃ મહાશિવરાત્રી મેળા મુદ્દે વિવાદ થતા આ અંગે એવી પણ ચર્ચા થઈ રહી છે કે જ્યારે કલેકટર સાથે સંતો અને આગેવાનોેની મીટીંગ મળી ત્યારે જો મેળો કરવાની ઈચ્છા હતી તો સંતોેએ રજૂઆત કરવી જોઈતી હતી હવે મેળો ચાલુ રાખવાની માંગણી કરવાથી ટૂંકા સમયમાં મેળાનું આયોજન શકય ન થઈ શકે. સાધુ-સંતોમાં પણ અંદરખાને વિવાદ હોવાનું ચર્ચાય રહ્યુ છે કારણ કે કોઈક સંતો એમ કહે છે કે મેળો ચાલુ રાખવો જોઈએ અને કોઈ સંતો મેળો ન યોજાય તેની તરફેણમાં છે. જો કે કલેકટર દ્વારા રોજકામ અને મીનીટસ બુકમાં મેળો રદ્દ થયાનું લખાય ગયુ હોવાથી હવે મેળો થવાની શકયતા નહિવત છે.

સાધુ-સંતો માટે મહાશિવરાત્રીનો મેળો ચાલુ જ છેઃ પબ્લિક માટે નથીઃ કોરોના કેસ વધે તો કોની જવાબદારી ? : સૌરભ પારઘી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો કોરોના મહામારીના કારણે તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યો છે. જેની સામે સાધુ-સંતોએ મેળો ચાલુ રાખવા માંગણી કરી છે ત્યારે જૂનાગઢ કલેકટર સૌરભ પારઘીએ અકિલાને જણાવ્યુ હતુ કે સાધુ-સંતો માટે મેળો ચાલુ જ છે અને તેના માટે પરંપરાગત વ્યવસ્થા પણ ઉભી કરાયેલ છે. તંત્ર દ્વારા પાણી અને લાઈટની સુવિધા અપાઈ છે. જો કે આ મેળો પબ્લિક માટે નથી. મેળાના કારણે કોરોના કેસ વધે તો કોની જવાબદારી ? તેમ કલેકટરશ્રીએ જણાવ્યુ હતું. કલેકટરશ્રી સૌરભ પારઘીએ જણાવ્યુ હતુ કે સંતો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ હવે આયોજન કરવું અશકય છે.

(1:32 pm IST)