સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

બાળકોને ગંભીર બિમારી છે? તો બે- પાંચ લાખમાં નહિ, પરંતુ મફતમાં સારામાં સારી સારવાર કરાવો

કેશોદના - ૧૩૬ બાળકો દોડતા થઇ ગયા, વાલીઓના રૂ.૩ કરોડ, ૭૪ લાખ સારવારના બચી ગયા

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા.૬: ૦થી ૧૮ વર્ષની ઉમરના ૧૩૬ બાળકોને મફતમાં સારામાં સારી સારવાર આપી તમામને દોડતા કરી દીધા છે. એ સાથે આ બાળકોનું જીવન બદલાય ગયું છે. એટલું જ નહી, પરંતુ મફતમાં મળેલી આ સારવારના કારણે આ —૧૩૬ બાળકોના વાલીઓના તબીબી સારવાર પાછળના રૂ.૩ કરોડ, ૭૪ લાખ બચી ગયા છે. આ કોઈ કાલ્પનિક વાત નથી. કે કોઈ ગપ્પુ પણ નથી. પરંતુ આ એક નક્કર હકિકત છે.

કેશોદ સરકારી આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કેન્દ્રના તાલુકા હેલ્થ ઓફીસર ડો.ડી.જી. પોપટના માર્ગદર્શન નીચે તાજેતરમાં અલગ અલગ એન.જી.ઓને સાથે રાખી વિશ્વ બર્થ ડીફેકટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય કેન્દ્રના ડોકટર રક્ષિત જોષીએ ઉપરોકત માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારે ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે ખાનગી હોસ્પીટલમાં હૃદય રોગની સારવાર માટે અંદાજે રૂ.૩ થી ૪ લાખ, ત્રાસા પગની સારવાર માટે આશરે રૂ.૧ લાખ, ફાટેલા હોઠની સારવાર માટે અંદાજે રૂ.૫૦ હજાર, જન્મજાત બધિરતાની સારવાર માટે અંદાજે રૂ.૧૫ થી ૨૦ લાખનો ખર્ચ થાય છે. તેના બદલે આવી તમામ જન્મજાત બિમારીઓનું અમારી સરકારી હોસ્પીટલોમાં મફતમાં નિદાન અને સારવાર થાય છે. સૌ પ્રથમ દર્દી અમારી પાસે આવે છે. પછી જરૂર જણાય તો અહીથી જૂનાગઢ સીવીલમાં અને ત્યાંથી પણ આગળ જવાની જરૂર પડે તો દર્દીને અમદાવાદ સીવીલમાં મોકલીએ છીએ અને કેશોદ,જૂનાગઢ,અમદાવાદ ખાતે બધી જ સારવાર મફતમાં થાય છે. દર્દીના પરિવારજનોએ આરોગ્યના નામે પોતાના ખિસ્સામાં હાથ નાંખવાનું જ રહેતું નથી.

ડો.રક્ષિત જોષીએ ઉપરોકત ઉમેર્યું હતું કે કેશોદ તાલુકામાંથી છેલ્લા પ૫(પાંચ)વરસ દરમ્યાન જન્મજાત હૃદય રોગના ૮૭, ત્રાસા પગના -૨૭, ફાટેલા હોઠ વાળા-૧૯ અને બધિરતા વાળા-૪ કેસો મળી કુલ-૧૩૮ દર્દીઓને સારવાર આપી અમે દોડતા કરાવી શકયા છીએ. એ સાથે આ બાળકોના વાલીઓના પણ આશરે રૂ.૩ કરોડ, ૭૪ લાખ બચાવી શકયા છીએ. જો આવી સારવાર આ હોસ્પીટલોમાં ન મળતી હોતતો આ બધા ખાનગી હોસ્પિટલોમાં જવાના હતાં અને ત્યાં આજના ભાવે ઉપરોકત રકમ ચુકવવી પડી હોત.

અત્યારે સરકારશ્રીના આરોગ્ય શાળા તપાસણી કાર્યકમ અને ખાનગી બાળ રોગ નિષ્ણાંત ડોકટરો દ્વારા આવા દર્દી આવે છે. આવા દર્દી આવતા તાત્કાલીક તેમની સારવાર શરૂ કરવામાં આવે છે અને જયાં સુધી તેને સંપૂર્ણ આરામ ન થાય ત્યાં સુધી આ સારવાર ચાલુ રહે છે. આવી સારવારથી સ્વસ્થ થયેલા -૭ દર્દીઓ અને તેના વાલીઓને પણ આ કાર્યકમમાં હાજર રખાયા હતાં અને તેમના સ્વાનુભવો વર્ણવવામાં આવ્યા હતાં.

આ કાર્યકમમાં ટી.બી. અને કેન્સરના દર્દીઓને પણ વૈદકીય સારવાર અંગે તાલુકા હેલ્થ ઓફીસ સુપરવાઈઝર ગોધાસરા દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા પાછળ ડો.રક્ષિત જોષી, ડો.બગથરિયા, ડો.મનીષા વાઘેલા, ડો.બીનલબેન, સુનીતાબેન, ભુમિકાબેન તથા સુનિતાબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(1:28 pm IST)