સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

સોમવારે પૂ. જલારામબાપાની પૂણ્યતિથિઃ વેરાવળમાં સત્સંગ

જલ્યાણ ગ્રુપ દ્વારા લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન-કોરોના ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા

રાજકોટ, તા. ૬ :. સોમવારે પૂ. જલારામબાપાની પૂણ્યતિથિની ઉજવણી કરાશે. વિરપુર (જલારામ)માં પૂજન-અર્ચનના કાર્યક્રમો યોજાશે.

વેરાવળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ શહેરમાં પૂ. જલારામ બાપાની ૧૪૦મી પૂણ્યતિથિએ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયેલ છે. જેમાં લોહાણા જ્ઞાતિ રઘુવંશી પરિવારના તમામ પરિવારોને જ્ઞાતિ ગંગા દર્શનમાં સહભાગી થવા સોશ્યલ મીડીયા, પ્રિન્ટ-ઈલેકટ્રોનીક મીડીયા સહિત દરેકને જાણ કરાયેલ છે.

વેરાવળ ભાલકા ભીડીયા જીઆઈડીસી સોમનાથ તેમજ તાલુકા અને જીલ્લામાં જલારામ બાપાની ૧૪૦મી પૂણ્યતિથિ તા. ૮-૩-૨૦ સોમવારે સમૂહ લોહાણા જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયેલ છે. આ પ્રસંગે જલ્યાણ ગ્રુપ દ્વારા થઈ રહેલ હોય ત્યારે દીપક કક્કડે જણાવેલ હતુ કે સાંજે ૭ કલાકે લોહાણા બોર્ડીંગ બસ સ્ટેન્ડ સામે વિશાળ ગ્રાઉન્ડમાં સરકારના નીતિનિયમો મુજબ વ્યવસ્થા કરાયેલ છે. જેમાં પૂ. જલારામ બાપાને પૂજન-પ્રસાદ ધરી સમૂહ જ્ઞાતિ ભોજનની શરૂઆત કરાશે. દર વર્ષે યોજાનાર આ કાર્યક્રમમાં જલ્યાણ ગ્રુપના તમામ કાર્યકરો તેમજ સેવા આપનાર તમામ યુવાનો તડામાર તૈયારીઓ કરી રહેલ છે. આ સમૂહ ભોજનમાં સીનીયર સીટીજન ભાઈઓ-બહેનો માટે ટેબલ-ખુરશીની વ્યવસ્થા રખાયેલ છે. જેથી આ કાર્યમાં સહપરીવારને પધારવા તેમજ જ્ઞાતિ ગંગા દર્શનનો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.

પૂ. જલારામબાપાનો સત્સંગ

વેરાળ લોહાણા મહાજનવાડીમાં જલારામ બાપાની પૂણ્યતિથિની પૂર્વ સંધ્યાએ પૂ. જલારામબાપાનો સત્સંગ યોજાશે. જેમા કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાની અમૃતવાણીનો લાભ જાહેર જનતાને મળશે. વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા તા. ૭-૩ને રવિવારે સાંજે ૬ થી ૮ લોહાણા મહાજનવાડી સટ્ટાબજારમાં સુપ્રસિદ્ધ કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા દ્વારા પૂ. જલારામબાપાનો સત્સંગ આખ્યાનનો કાર્યક્રમ યોજાશે. તેમાં પૂ. જલારામબાપાના પ્રાગટયનો મહીમા તેમજ પરચા આજે પણ વિરપુરમાં પ્રસાદીની અવિરતપણે સેવા ચાલે છે તેનુ વર્ણન ભકિતમય શૈલીમાં રસપાન કરાવશે.

જલ્યાણ ગ્રુપ દર વર્ષે પૂ. જલારામબાપાની પૂણ્યતિથિના કાર્યક્રમનું આયોજન કરેલ છે તેની પૂર્વ સંધ્યાએ વેરાવળ ભાલકા ભીડીયા સોમનાથ તેમજ સમગ્ર તાલુકાના ભકતજનો માટે આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે તેમા પરિવાર સાથે તમામ જ્ઞાતિજનો એ આ ભકિતમય કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરાયેલ છે.

(11:52 am IST)