સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

બગસરાની સેન્ટમેરી પ્રાથમિક શાળામાં વાલીઓ દ્વારા ઉગ્ર રજુઆત

નિયમોનુસાર શિક્ષણ કાર્ય ન થતું હોવાની ફરિયાદ : તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા

(દર્શન ઠાકર -સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૬: બગસરા શહેરમાં હવેલી સેન્ટ મેરી પ્રાથમિક શાળામાં યોગ્ય રીતે શિક્ષણકાર્ય કરવામાં આવતું હોય આ બાબતે વાલીઓ દ્વારા સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી. આ મુદ્દો વધારે જતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા છે.

વિગત અનુસાર બગસરાથી અમરેલી રોડ પર આવેલી અંગ્રેજી માધ્યમની સેન્ટમેરી પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા હોય આ બાબતે વાલીઓ દ્વારા એક સાથે એકઠા થઈ સંચાલકો વિરુદ્ઘ રજૂઆત કરવામાં આવી હતી વાલીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી સેન્ટ મેરી માં ઓનલાઇન શિક્ષણના નામે ફી ઉઘરાવી માત્ર ધતિંગ કરવામાં આવી રહ્યું હતું વાલીઓ દ્વારા બાળકોના શિક્ષણ વિશે કોઈપણ માહિતી પૂછવામાં આવતા ઉડાઉ જવાબ આપવામાં આવતા આ ઉપરાંત ગમે ત્યારે વાલીઓ ફરીયાદ કરે તો તેમના બાળકનો લીવીંગ સર્ટી લઈ જવા માટે ધમકાવવામાં આવતા હતા આમ ઘણા સમયથી ચાલતી શાળાની દાદાગીરી સામે વાલીઓ એકઠા થયા હતા અને આ તમામ પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે રજૂઆતો કરી હતી આ ઘટનાની જાણ બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સોનિયાબેન કોટડીયાને થતા તેમણે તુરંત સમગ્ર ઘટના બાબતે તપાસના આદેશ આપી દીધા છે તેમજ તપાસનો રિપોર્ટ આવે પગલાં લેવા માટે વડી કચેરીને જાણ કરવામાં આવશેનું જણાવ્યું હતું.

(11:36 am IST)