સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં ઇ-એપીક ડાઉનલોડ કરવા માટે ખાસ ઝુંબેશ : કાલથી કેમ્પો

સુરેન્દ્રનગર,તા. ૬: જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત નવા નોંધાયેલા યુવા મતદારો ડીજીટલ સ્વરૂપમાં પોતાના ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે આગામી તા.૦૭(રવિવાર) અને તા.૧૩/૦૩/૨૦૨૧ (શનિવાર) ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ ખાસ કેમ્પ યોજાનાર છે. જે અંતર્ગત યુનિક મોબાઈલ ધરાવતા નવા મતદારો તેમના ઈ-એપીક ડાઉનલોડ કરી શકશે. આ ઇલેકટ્રોનિક ચૂંટણી કાર્ડ પી.ડી.એફ. સ્વરૂપે મોબાઈલમાં ડાઉનલોડ થશે જેથી કોઈ પણ સમયે આ ઇ-એપીકનો ડીજીટલ સ્વરૂપે ઉપયોગ કરી શકાશે.

 આ ઈ-એપીક ડાઉનલોડ કરવા માટે <http://nvsp.in>, <http://voterportal.eci.gov.in> અને Voter Helpline Mobile App (એન્ડ્રોઇડ/આઈઓએસ) એપ્લીકેશન દ્વારા મતદારે રજીસ્ટર/લોગ ઇન થવાથી ચ્ભ્ત્ઘ્ નંબર અથવા ફોર્મ રેફરન્સ નંબર એન્ટર કરી ડાઉનલોડ કરી શકાશે. ઈ-એપીક ડાઉનલોડ કરવા બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.રાજેશની સૂચનાથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સુપરવાઈઝરને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે. જેથી ઉકત બંને દિવસોએ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે સવારે ૧૦.૦૦ કલાકથી  સાંજના ૫.૦૦ કલાક સુધી ઉપસ્થિત રહી સબંધિત મતદારોને ઈ-એપીક ડાઉનલોડ કરવામાં મદદરૂપ થશે.

જિલ્લામાં કુલ-૫૨૯૪ યુનિક મોબાઈલ નંબર નોંધાયેલ યુવા મતદારો પૈકી અત્યાર સુધીમાં કુલ-૨૧૬૨ મતદારોએ ઈ-એપીક ડાઉનલોડ કરી લીધા છે. ઉકત કામગીરી માટે પાસે યુનિક મોબાઈલ નંબર નોંધાયેલ છે અને ઇ-એપીક ડાઉનલોડ કરવાનું બાકી રહેલ મતદારોના નામોની ભાગ વાઈઝ પી.ડી.એફ. જે તે સુપરવાઈઝર મારફત આપવામાં આવેલ છે. જેથી બાકી રહેલ મતદારોનો સંપર્ક કરી મોબાઈલ/કોમ્પ્યુટર પર ઈ-એપીક ડાઉનલોડ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવશે. જે આગામી ખાસ કેમ્પના દિવસો સિવાય પણ ચાલુ રાખવામાં આવશે.

બાકી રહેલ મતદારોના ઈ-એપીક ડાઉનલોડ કરવા જરૂરી માર્ગદર્શન માટે બીએલઓનો સંપર્ક કરવા તેમજ અન્ય કોઈ રજૂઆત કે પ્રશ્ન ઉપસ્થિત થાય તો નજીકની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમજ વધુ જાણકારી માટે મામલતદાર કચેરી ખાતે માર્ગદર્શન મેળવી શકાશે તેમજ જિલ્લાના ટોલ-ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૯૫૦ પર પણ સંપર્ક કરી શકાશે.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત નવા નોંધાયેલા યુવા મતદારો પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના બાકી રહેલ મતદારોને ઇ-એપીક ડાઉનલોડ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે. રાજેશ દ્વારા અનુરોધ યાદીમાં કરાયો છે.

(10:27 am IST)