સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ઠંડકઃ સોરઠમાં બીજા દિવસે ઝાકળવર્ષા

જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ : આખો દિવસ બફારો

રાજકોટ, તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે.

જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમી વધવા લાગે છે.

બપોરના સમયે આકરા ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢ સહિતના વિસ્તારોમાં આજે પણ સતત બીજા દિવસે ઝાકળવર્ષા થઇ હતી. ભેજને લઇ સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

હવામાનમાં આવેલા પલ્ટાને કારણે ગઇકાલે સવારે ઝાકળવર્ષા બાદ મહત્તમ તાપમાન પણ ઘટીને ૩પ.ર ડીગ્રી થઇ ગયું હતું, જેને લઇ લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો.

ગઇકાલની જેમ આજે પણ સવારે ઝાકળવર્ષા થતાં માર્ગો પર પાણીનો છંટકાવ જોવા મળ્યો હતો.

સોમવારે લઘુતમ તાપમાન ર૦.૪ ડીગ્રી રહ્યા હતા આજે લઘુતમ તાપમાન અઢી ડીગ્રી ઘટીને ૧૭ ડીગ્રીએ સ્થિત થતા ગુલાબી ઠંડી રહી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૧ કિ.મી.ની રહી હતી.

જુનાગઢના ગિરનાર પર સવારે લઘુતમ તાપમાન ૧ર ડીગ્રી રહેતા પ્રવાસીઓએ આહલાદક વાતાવરણની અનુભૂતિ કરી હતી.

(1:20 pm IST)