સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

પારડીના યુવાને મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં તબિબ સાથે ધમાલ મચાવી

કંઇક પ્રવાહી પીતાં દાખલ કરાયો હતોઃ મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ સમાધાન

રાજકોટ તા. ૬: ગોંડલ રોડ પર શાપર તાબેના પારડીમાં રહેતાં ભાવેશ કરૂણાશંકર વ્યાસ (ઉ.વ.૩૩) નામના યુવાનને રાતે ઝેરી પ્રવાહી પી લેવાને કારણે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આ મુજબની એન્ટ્રી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી.  દરમિયાન સારવાર બાબતે આ યુવાને વોર્ડમાં તબિબ સાથે માથાકુટ કરી ધમાલ મચાવતાં વાત પોલીસ સુધી પહોંચી હતી.

ભાવેશને રાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. એન્ટ્રીમાં નોંધ થયા મુજબ તેણે ઝેરી પ્રવાહી પીધું હતું. સારવાર મામલે તેણે તબિબ સાથે ધમાલ મચાવતાં દોડધામ મચી ગઇ હતી. સારવાર બાદ સિકયુરીટીની ટીમે તેને પ્ર.નગર પોલીસમાં સોંપ્યો હતો. તબિબ પણ ત્યાં ગયા હતાં. બાદમાં ઘરમેળે માફામાફી થઇ જતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

 

ભાણવડ નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એચડીએફસી બેન્કના કર્મચારી અભિજીતસિંહ જાડેજાનું મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ :.. ભાણવડના ચાર પાટીયા પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત બનતાં ભાણવડ એચડીએફસી બેંકના કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. બનાવના પગલે ભાણવડ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

એચડીએફસી બેંકમાં નોકરી કરતાં અને ધ્રાફા ગામે રહેતાં અભિજીતસિંહ જયદેવસિંહ જાડેજા (ઉ.ર૭) નામના યુવાન પોતાની આઇ-૧૦ કાર લઇને ભાણવડથી  નોકરી પુરી કરી ધ્રાફા જવા માટે રાત્રીના સાડા આઠેક વાગ્યે નિકળ્યા હતા એ સમયે સામેથી આવતાં જીજે-૧૦-એકસ ૭૧૩૮ નંબરના ટ્રક સાથે કાર ધડાકા ભેર અથડાતા કારનો કડૂચલો બોલી ગયો હતો. અને ઘટના સ્થળે જ કાર ચાલક અભિજીતસિંહનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવી ભાણવડ પોલીસ તેમજ ૧૦૮ ને જાણ કરતાં પીએસઆઇ જી. જે. સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે મૃતકના પિતા જયદેવસિંહ ભાવસિંહ જાડેજાની ફરીયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:50 pm IST)