સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

જામનગરની કોવિડની માઇક્રોબાયોલોજી લેબમાં ૧,૦૧,૮૩૨ સેમ્પલનું થયું છે પરિક્ષણ - ૫૧૮૯ સેમ્પલ પોઝિટિવ

રાજ્ય સરકારે કોવિડ લેબ માટે લાખોના સાધન કરાવ્યા છે ઉપલબ્ધ

જામનગર તા.૫ : જામનગરની જિલ્લાકક્ષાની જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં  અત્યાર સુધીમાં ૧૦૧૮૩૨ કોરોનાના લક્ષણો ધરાવતા સૌરાષ્ટ્ર -કચ્છના વ્યકિતઓના સેમ્પલનું પરીક્ષણ થયું છે. જેમાંથી ૫૧૮૯  સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જેમાં જામનગર જિલ્લાના ૪૨૦૭૨  નમુનાઓ હતા. જે પેકી ૩૬૭૭ પોઝિટિવ નમૂના હતા. તેમ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો.પ્રકાશ મોદીએ જણાવ્યું હતું.

રાજયભરમાં સૌપ્રથમ અમદાવાદ અને જામનગરને ગુજરાત સરકાર દ્વારા કોવિડ ટેસ્ટ માટે માઈક્રોબાયોલોજી વિભાગને લેબોરેટરી  શરૂ કરવાની મજુરી મળી હતી. જેથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૮.માર્ચ, ૨૦૨૦ ના લેબ શરૂ થઈ હતી. લેબમાં કોરોના ટેસ્ટ માટેના અદ્યતન લાખો રૂપિયાના સાધનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવાયા હતા. તેમ એમ.પી.શાહ મેડીકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના એસો.પ્રો.ડો. હિતેશ શિંગાડાએ જણાવ્યું હતું.

ધીમે ધીમે બીજા જિલ્લા ઓને પણ લેબોરેટરીની છુટ મળતાં જામનગરની લેબને કામનું ભારણ ઘટ્યું હતું.

કોવિડ લેબના નોડલ ઓફિસર અને એસો. પ્રો.ડો. બીનીતા એરિંગએ જણાવ્યું હતું કે અદ્યતન સાધનોથી સુસજ્જ લેબમાં ડોકટર્સ, સાયન્ટિસ્ટ, લેબ.ટેકિનસીયન સહિતનો ૩૦નો સ્ટાફ દિવસ રાત સેમ્પલ કલેકશન, તપાસથી લઇ રિપોર્ટિંગ સુધીની ફરજ છેલ્લા દસ માસથી બજાવી રહ્યો છે. અમને કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે  જરૂરી સાધનો, પીપીઈ કીટ પણ પૂરતા પ્રમાણમાં રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.

આસી.પ્રો.ડો. હિરલ ગઢવી કોવિડ લેબમાં ડેટા મોનીટરીંગ-રિપોર્ટિંગની સહિતની કામગીરી કરે છે. તેઓના જણાવ્યા અનુસાર ૫૧૮૯  કોરોના પોઝિટિવ સેમ્પલ રિસર્ચ માટે સાચવીને રાખવામાં આવે છે.    

લેબમાં RTPCR ટેસ્ટ માટે ગુજરાત સરકારે લાખોના સાધનો જેવા કે બાયોસેફટી કેબિનેટ, પીસીઆર કેબિનેટ,  -૮૦ અને -૨૦ (કે જેમાં ૬ માસથી પણ વધુ સમય સુધી સેમ્પલ સાચવી શકીએ છીએ) ડિગ્રીના ફ્રીજ, સેન્ટ્રીકયુઝ, પીસીઆર સ્ટ્રીપ રોટર, મીની સ્પિન વગેરે ઉપલબ્ધ કરાવ્યા છે. તેમ સાયન્ટિસ્ટ અભિષેક દવે એ જણાવ્યું હતું.

RTPCR ટેસ્ટ કઇ રીતે થાય છે ?

સાયન્ટિસ્ટ અખલાક અહેમદ કહે છે કે Icmr ની ગાઈડ લાઇન મુજબ સેમ્પલને ૩ લેયર પેકિંગમાં મેળવવામાં આવે છે. સેમ્પલ ઉપર નંબરિંગ બાદ તેને પ્રોસેસ કરવામાં આવે છે. પછી સેમ્પલમાંથી RNA  ને અલગ કરવામાં આવે છે. RNAને માસ્ટર મિકસ રીએજન્ટની અંદર મિકસ કરવામાં આવે છે. હવે એ પ્લેટને RTPCR મશીનની અંદર મુકવામાં આવે છે. ૨ કલાક પછી RTPCR  મશીન તેના નેગેટિવ કે પોઝિટિવ પરિણામ જાહેર કરશે.

(11:43 am IST)