સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

અમરેલી જિલ્લામાં વિવિધ પાંચ સ્થળોએ કોવિડ વેકિસનેશન માટે ડ્રાય રન કરાયું : જિલ્લા વિકાસ અધિકારીએ નિરીક્ષણ કર્યું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૫ : વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને જનસામાન્ય સુધી પહોંચાડવા તૈયાર કરવામાં આવેલા આયોજન મુજબ અમરેલી જિલ્લામાં  પાંચ સ્થળોએ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વેકિસનને મંજૂરી મળ્યા બાદ દેશના તમામ નાગરીકો સુધી પહોંચાડવા માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોવિડ વેકસિનેશન માટે સર્વે, સ્ટોરેજ, કોલ્ડ ચેઇનની વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે આગામી દિવસોમાં વેકિસનેશનની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે આજે વેકસીનેશનની ડ્રાય રન જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અમરેલી, રાધિકા હોસ્પિટલ અમરેલી, તાલુકા શાળા અમરેલી, જાળિયા આરોગ્ય કેન્દ્ર અને દહીડા પ્રાથમિક શાળા ખાતે એમ કુલ પાંચ સ્થળોએ કોવીડ-૧૯ વેકિસનેશન માટે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા શાળા અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર દ્વારા સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ તથા આરોગ્ય વિભાગ તેમજ અમરેલી નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોવીડ-૧૯ વેકિસનેશન સમગ્ર પ્રક્રિયાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. મતદાન મથકોની જેમ કોવીડ-૧૯ વેકિસનેશન માટે બૂથ ઉભા કરવામાં આવશે. આ રસીકરણ માટે વેકસીનેટરોને તાલીમબધ્ધ કરી દેવાયા છે. એક સેન્ટર પરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવશે.

નોંધનીય છે કે રાજય સરકાર દ્વારા રસી આપવા માટે લાભાર્થીઓના મોડ્યુલ પણ તૈયાર કરી દેવાયા છે આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ રસીનો ડોઝ અઠ્યાવીસ દિવસમાં બે વખત ૧૪ દિવસના અંતરે  લેવાનો રહેશે. રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં માસ્ક પહેરવો, સેનિટાઈઝરોનો ઉપયોગ તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનુ રહેશે. આ માટે નાગરિકોનો પૂરતો સહયોગ મળે એ અત્યંત જરૂરી છે.

વેકિસનેશનના ત્રણ તબક્કા

૧. વેકિસનેશન બુથ ઉપર સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

૨. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી વેકસીન આપવામાં આવશે

૩. વેકસીન આપ્યા બાદ અડધો કલાક માટે ઓબ્ઝર્વેશન હેઠળ રહેવું પડશે

ડ્રાય રન એટલે શું?

ડ્રાય રન એટલે એક પ્રકારની મોકડ્રીલ. જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વેકિસનેશન માટેની માહિતી અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કોલ્ડ સ્ટોરેજથી લઈ રસીકરણ કેન્દ્ર સુધી રસી લઈ જવાની વ્યવસ્થા, ડમી લાભાર્થીને રસીકરણ અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી પ્રક્રિયા કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના કોવીન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી જે તે લાભાર્થીને વેકસીન આપવામાં આવશે.

(11:41 am IST)