સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th January 2020

સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ રોકવા કાલાવડના ધારાસભ્ય મુસડિયાની સૂચનો સાથે રજુઆત

વિદ્યાર્થીઓને એસ. ટી. બસના પાસ તલાટીઓ પાસેથી જ અપાવવા માગણી

કાલાવડ તા. ૬ :.. જામનગર જિલ્લાના કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી પ્રવીણ મુસડિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી સરકારી ભરતીઓમાં પારદર્શકતા લાવવાના સૂચનો સાથે રજૂઆત કરી છે.

 

તેમણે પત્રમાં જણાવ્યું છે કે પરીક્ષા ખંડમાં સરકારના જવાબદાર સુપરવાઇઝર રાખી તેની જવાબદારી નકકી કરવી જોઇએ. પરીક્ષા કેન્દ્રની બહાર લોકો જોઇ શકે તે રીતે સીસી ટીવી કેમેરાથી લાઇવ પ્રસારણ કરવું જોઇએ. પરીક્ષા કેન્દ્રો નગરો-મહાનગરોમાં જ હોવા જોઇએ.  પરીક્ષાનો સમય વાતાવરણ જોઇને નક્કી કરવો જોઇએ. ચાલુ પરીક્ષાએ પરીક્ષાર્થીઓ માટે જરૂરી પેન, ઇરેઝર, પેન્સીલ વગેરે તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવાવવા જોઇએ જેથી પરીક્ષાર્થીએ બાજુના પરીક્ષાર્થીની મદદ ન લેવી પડે. પ્રશ્નપત્ર કાઢનારની જવાબદારી કાયદાથી નક્કી કરવી જોઇએ.

ઉપરાંત ધારાસભ્ય શ્રી પ્રવીણ મુસડિયાએ એસ.ટી. નિગમના એમ.ડી.ને પત્ર પાઠવી વિદ્યાર્થીઓના બસ ડેપો સુધીના ધક્કા નિવારવા બસના કન્સેશન ખાસ કાઢવાની વ્યવસ્થા જે તે ગામના તલાટી મંત્રી હસ્તક મૂકવા તેમજ વિદ્યાર્થીઓના શાળા-કોલેજના સ્થળ-સમયને અનુરૂપ બસ દોડાવવા રજુઆત કરી છે.

(1:08 pm IST)