સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

મોરબીનાં ખીરસરા પાસે ફોરેસ્ટ કવાર્ટરમાં પોલીસ કર્મી સંચાલિત જુગારધામ પર રેન્જની ટીમનો દરોડો : સાત ઝડપાયા

રેન્જ આઇજી શ્રી સંદિપસિંહના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.એસ. ડેલાની ટીમની દરોડો : પોલીસ કર્મી. રાજેન્દ્રસિંહ તથા ઘનશ્યામ, જયંતિ, નવલસિંહ, નરેશ, સંજય અને કામા પાસવાન ધરપકડ : ૬.૭૬ લાખની રોકડ તથા સાત મોબાઇલ કબ્જે : કવાર્ટરમાં તલાશી દરમ્યાન ગેરકાયદેસર એક પિસ્ટલ, એક રિવોલ્વર અને ૫૬ કાર્ટીઝ મળ્યા તેમજ દારૂની ૩ બોટલ અને બીયરના ૩૪ ટીન મળ્યા : ૫૫, ૬૦૦નો મુદ્દામાલ કબ્જે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૫: તાજેતરમાં મોરબી જીલ્લામાં જુગારની મોસમ પુરબહારમાં હોય તેમ જુગારીઓ બેફામ બન્યા છે તો પોલીસ તેને રોકવામાં અમુક અંશે સફળ રહે છે જુગાર અટકાવવા માટે પ્રયત્નશીલ પોલીસ જ જુગાર રમાડતી હોવાનો ખુલાસો થયો છે અને માળીયાના ખીરસરા ગામ નજીક ફોરેસ્ટના કવાર્ટરમાં પોલીસ જવાન જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે રાજકોટ રેંજની ટીમે દરોડો પાડતા ત્યાંથી સાત પત્ત્।ાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં જુગારીઓ બેફામ રીતે જુગાર રમી રહ્યા છે તો પોલીસ પણ અમુક સ્થળે દરોડા પાડીને સંતોષ માની લેતી હોય છે પંરતુ જુગાર અટકાવનાર પોલીસ જો જુગાર રમાડે તો ? એવું જ માળિયા તાલુકાના ખીરસરા ગામ નજીક આવેલ ફોરેસ્ટ વિભાગના કવાર્ટર જે ચંદુભાઈ આહીર ફોરેસ્ટર રહે-મોટા દહીસરા વાળાએ પોલીસ જવાન રાજભાને વાપરવા માટે આપેલ તે કવાર્ટરમાં આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે- પંચાસર વાળાએ પોતાના કબજામાં રહેલ કવાર્ટરમાં બહારથી માણસો બોલાવી નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે રાજકોટ રેંજ આર આર સેલની ટીમે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રમીડતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા (પોલીસ કોન્સ્ટેબલ), ઘનશ્યામ કરશનભાઈ આદ્રોજા, જયંતીભાઈ ગાંડુભાઈ ઠોરીયા, નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા, નરેશભાઈ સવજીભાઈ વિડજા, સંજયભાઈ રણમલભાઈ લોખીલ અને પારમાભાઈ સુરેશભાઈ પાસવાનને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ ૬,૯૬,૩૪૦, મોબાઈલ નંગ-૭ કીમત રૂ.૨૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬,૬૯,૩૪૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તો વધુમાં આર આર સેલની ટીમે કવાર્ટરની પણ ઝડતી લેતા આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભાના કબ્જામાંથી ગેરકાયદેસર એક પિસ્તોલ કીમત રૂ.૨૫૦૦૦ તથા એક રિવોલ્વર કીમત રૂ.૨૫૦૦૦ અને કાર્ટીસ નંગ-૫૬ કીમત રૂ.૫૬૦૦ એમ કુલ મુદામાલ ૫૫૬૦૦ મળી આવતા આર્મ્સ એકટ મુજબ પણ રાજભા વિરુધ્ધમાં ગુન્હો દાખલ કર્યો હતો તેમજ ઝડતી દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ-૩ તથા બીયર ટીન નંગ-૩૪ એમ કુલ મુદામાલ કીમત રૂ.૪૯૬૦ કબજે કરી ધોરણસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો સ્થાનિક પોલીસની અંધારામાં રાખી આર આર સેલની ટીમે દરોડો પાડતા અનેક મોટા સવાલો ઉભા થયા છે તો પોલીસ જવાન પણ સામેલ હોવાથી સ્થાનિક પોલીસ પણ શર્મશાર થઇ છે.

(2:35 pm IST)